અમદાવાદ: જગન્નાથ મંદિરમાં થયા કોમી એકતાના દર્શન, મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજીને બાંધી રાખડી
હિન્દુ ધર્મમાં ભાઈ-બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન.આજે રક્ષાબંધન પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં બહેન ભાઈની રક્ષા માટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે અને ભાઈની રક્ષા માટે બહેન પ્રાર્થના કરે છે. આમ તો આ તહેવાર હિન્દુનો છે. પરંતુ અનેક મુસ્લિમ ભાઇઓને હિન્દુ બહેનો રાખડી બાંધે છે અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપતા હોય ચે ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ કોમી એકતાના દર્શન થયા છે.
જગન્નાથ મંદિરમાં કોમી એકતાના દર્શન થયા
એક બાજુ સાંપ્રદાયિકતાના નામ પર ઘણા લોકો બિનજરૂરી અશાંતિ ફેલાવે છે ત્યારે બીજી બાજુ અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજીને બાંધી રાખડી સાંપ્રદાયિક સદભાવનાની મિસાલ બની હતી. આ મુસ્લિમ મહિલાઓએ મહંત માટે જાતે રાખડી બનાવી હતી અને મહંત દિલીપદાસજીને રાખડી બાંધી હતી.
મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજીને રાખડી બાંધી
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે મુસ્લિમ બહેનો આવી હતી. અને આ મુસ્લિમ બહેનોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પરંપરા મુજબ તિલક કરીને રાખડી બાંધી હતી અને મીઠાઈ પણ ખવડાઈ હતી.
મુસ્લિમ બહેનોએ જાતે રાખડી બનાવી
આ મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજી માટે જાતે તરંગા અને ભગાવાન જગન્નાથજીની પ્રતિકૃતિવાળી રાખડી બનાવી હતી.આમ આ બહંનોએ કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
જાણો મહંત દિલીપદાસજી મહારાજે શું કહ્યું ?
આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે,” રક્ષાબંધનનો પવિત્ર તહેવારએ ભાઈ-બહેનનો એક અનોખો તહેવાર છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ એકતા અને બંધુત્વની ભાવના સાથે જગન્નાથજી મંદિર સાથે જોડાયેલો છે.અનેક તહેવારોમાં તેમનો સાથ અને સહકાર મંદિર સાથે રહેલો છે. આજે રક્ષાબંધનના તહેવાર પર મુસ્લિમ બહેનોએ અહીં આવીને રાખડી બાંધી છે અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે”.
આ પણ વાંચો : રાજ્યના આ યાત્રાધામોમાં આજે નહીં થાય રક્ષાબંધનની ઉજવણી