અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 36મા નેશનલ ગેમ્સની તૈયારીઓ શરૂ, 1000થી વધુ યુવા ખેલાડીઓ વોલેન્ટીયર તરીકે સેવા આપશે


- 36મા નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં કરાયું છે. જે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ચાલશે
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતની જગ્યાએ વિવિધ રમત રમાશે
રાજ્યમાં યોજાનારા 36મા નેશનલ ગેમ્સની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન, સ્પોર્ટ્સ કલબ અને સ્પોર્ટ્સ એકેડમીના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. નેશનલ ગેમ્સ અમદાવાદના 8 સ્થળોએ રમાવવાની છે ત્યારે આયોજનના ભાગરૂપે અમદાવાદના તમામ સ્પોર્ટ એસોસિએશન ક્લબ અને એકેડમીના ખેલાડીઓ તથા સભ્યો વોલેન્ટીયર તરીકે ફરજ બજાવે અને તેમાં મદદરૂપ થાય તેની ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 1,000થી વધારે યુવા ખેલાડીઓ વોલેન્ટીયર તરીકે જોડાશે.
વોલેન્ટીયર તરીકે જોડાવવા અપીલ
મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ બેઠકમાં જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી રમતોને નજરો નજર જોવાની તક આજની નવયુવા પેઢીને મળી રહી છે. જેથી આ ઇવેન્ટમાં મદદ કે સેવા ઉત્સુક એસોસિએશન, મંડળો ,ક્લબો કે વિવિધ રમત જુથોને યોગ્ય સહાય તથા સેવા આયોજનપૂર્વક પૂરીપાડવા આવા ઉત્સુક 18 થી 35 વર્ષની વયજુથના સભ્યોના નામ તથા મોબાઇલ નંબર સાથે અંબુભાઇ પૂરાણી સ્પોર્ટસ વિદ્યાલય,કાંકરીયા,મણીનગર ખાતે ઇમેઇલ વ્યાયામ ([email protected])થી મોકલી શક્શે.

PM સહિત જાણીતી હસ્તિઓની ઉપસ્થિતિમાં નેશનલ ગેમ્સ ખુલો મૂકાશે
36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવા કુલ 54 સંસ્થાઓના 80 પ્રતિનિધિઓ સાથે ઓપનીગ સેરેમની પાર્ટીસિપેશન અંગે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી. અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રમત જગત તથા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ દેશની વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓની હાજરીમાં યોજાવવાનો છે, જેથી અમદાવાદના સ્થાનિક લેવલના ખેલાડીઓ તથા રમત મંડળોના સભ્યોને વાહન તથા અનુકુળ રૂટ ગોઠવી શક્ય તેટલા પ્રમાણમાં મદદરૂપ થવા ખાત્રી આપી હતી. આ સાથે તમામ ઉપસ્થિત રમત જગતના હાજર અનુભવી સભ્યોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના વિવિધ સિટીને સ્પોર્ટસ સિટી તરીકે આગવી છાપ ઉભી કરવાના સામુહિક પ્રયત્ન થકી ઇચ્છીત પરિણામ મેળવવા માટે સુચનો આપવા પણ જણાવ્યુ હતું.