અમદાવાદ, 27 સપ્ટેમ્બર : રેલ્વે મંત્રાલયે તાજેતરમાં ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્ય અંગે માહિતી શેર કરી હતી. એક ટ્વિટમાં, રેલ્વે મંત્રાલયે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક નાખવામાં થયેલી પ્રગતિ દર્શાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે જેનો ઉદ્દેશ્ય મુંબઈ અને અમદાવાદ વચ્ચેના પ્રવાસના અનુભવને સંપૂર્ણપણે બદલવાનો છે. રેલવે દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં જોવા મળે છે કે બુલેટ ટ્રેનનો ટ્રેક બિછાવવામાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે પ્રોજેક્ટ સમયસર પૂરો કરવા માટે દિવસ-રાત મહેનત કરવામાં આવી રહી છે.
Catch glimpses of track laying for the #BulletTrain project; A significant step towards the future of travel. pic.twitter.com/mGGvY5NhOc
— Ministry of Railways (@RailMinIndia) September 26, 2024
મહત્વનું છે કે દેશની પ્રથમ હાઈ-સ્પીડ રેલ લાઈન શરૂ થવાથી દેશના બે મોટા શહેરો અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મુસાફરી થોડા કલાકોમાં પૂર્ણ થઈ જશે અને ભારતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSE) એક નિર્માણાધીન હાઈ-સ્પીડ રેલ લાઈન છે જે દેશની આર્થિક રાજધાનીને ગુજરાતની રાજધાની અમદાવાદ સાથે જોડશે.
આ પ્રોજેક્ટ પર એપ્રિલ 2020 થી કામ શરૂ થયું હતું અને આ 352 કિમીનો કોરિડોર 2027 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સુરત અને બીલીમોરા વચ્ચેનો 50 કિલોમીટરનો પટ ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થવાની આશા છે. જ્યારે મુંબઈ સુધીનો બાકીનો ભાગ 2028ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.