ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: અસારવા તથા સોલા સિવિલમાં મોટા ભાગના ઓપરેશન રદ, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

  • સોલા સિવિલમાં મોટે ભાગે મેજર ઓપરેશન બંધ થયા છે
  • જુનિયર તબીબો ઈમરજન્સી સેવામાં ફરજ બજાવી રહ્યા છે
  • સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો પાંચમા દિવસે પણ ઓપીડી કામકાજથી અળગા

અમદાવાદમાં અસારવા તથા સોલા સિવિલમાં મોટા ભાગના ઓપરેશન રદ થયા છે. જેમા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલકાતાની ઘટનાના વિરોધમાં જુનિયર તબીબોની ઓપીડીમાં હડતાળ પાંચમા દિવસે યથાવત્ છે. સર્જરીમાં સોલા સિવિલે દાટ વાળ્યો છે. તેમજ સિવિલમાં અડધો અડધ સર્જરી કેન્સલ થઇ છે. મંગળવારે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 3500થી વધુ દર્દીઓનો ધસારો થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ચોમાસામાં વરસાદી પાણી ભરાતા મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો પાંચમા દિવસે પણ ઓપીડી કામકાજથી અળગા

કોલકાતાની ઘટનાના વિરોધમાં અમદાવાદ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો પાંચમા દિવસે પણ ઓપીડી કામકાજથી અળગા રહ્યા છે, રક્ષાબંધન તહેવાર અને રજાઓ પછી મંગળવારે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 3500થી વધુ દર્દીઓનો ધસારો રહ્યો હતો, સિવિલમાં મંગળવારે પણ આયોજનવાળા અડધો અડધ કરતાં વધુ ઓપરેશન કેન્સલ થયા છે, સામાન્ય દિવસોમાં સરેરાશ 110થી 125 જેટલા ઓપરેશન થાય છે, જોકે મંગળવારે માંડ 48 જેટલા ઓપરેશન થયા છે. સોલા સિવિલમાં મોટે ભાગે મેજર ઓપરેશન બંધ થયા છે, જેને લઈ દર્દીઓને કણસવાનો વારો આવ્યો છે.

જુનિયર તબીબો ઈમરજન્સી સેવામાં ફરજ બજાવી રહ્યા છે

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલમાં સામાન્ય રીતે રોજના 70 જેટલા મેજર સહિત સરેરાશ 125 જેટલા ઓપરેશન થતાં હોય છે, મંગળવારે 48 જેટલા ઓપરેશન થયા છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, ઓપીડીમાં ભારે ભીડના કારણે દર્દીઓને લાંબા સમય વેઈટિંગનો સામનો કરવો પડયો હતો. 20મી ઓગસ્ટના મંગળવારને બાદ કરતાં સિવિલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, હડતાલના કારણે ગરીબ દર્દીઓ નાછુટકે ખાનગી હોસ્પિટલે જઈ સારવાર કરાવી રહ્યા છે. 16મી ઓગસ્ટથી હડતાળ શરૂ થઈ એ પહેલાં સિવિલમાં રોજના 4200થી વધુ હજાર દર્દી હતા, જોકે એ પછી 19મીએ માંડ 1142 કેસ આવ્યા હતા. સોલા સિવિલમાં 30થી વધુ મેજર ઓપરેશન થતાં હતા, જે હાલ સિંગલ ડિજિટમાં પહોંચી ગયા છે. દાખલ દર્દીઓનું પ્રમાણ પણ ઘટયું છે. જુનિયર તબીબો ઈમરજન્સી સેવામાં ફરજ બજાવી રહ્યા છે.

Back to top button