અમદાવાદ મેટ્રોનો પીલર નમી પડ્યો, જાનહાનિ કે ઈજા નહીં
અમદાવાદીઓ જેની જોરશોરથી રાહ જોઇ રહ્યા છે તે મે્ટ્રો ટ્રેનના કામને ફરી એક વાર નજર લાગી રહી છે. મંગળવારે મોડી રાત્રે ભારે વરસાદના કારણે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના એક નિર્માણાધીન પીલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી પડતાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી. આ લોખંડનું સ્ટ્રક્ચર બાજુના એક ફ્લેટ પર જઈને પડ્યો હતો.
એક તરફ અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું નવરાત્રી સુધીમાં થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો રેલ શરૂ કરવાની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા ચાલી રહી છે. એક મહિના પહેલા જ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. અમદાવાદ મેટ્રોના ફેઝ 1નું કામ પૂર્ણતાના આરે છે અને ફેઝ-2નું કામ પૂરજોરમાં ચાલું છે.
દરમિયાનમાં બુધવારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી ગયો હતો અને બાજુમાં આવેલા ફ્લેટ પર જઈને પડ્યો હતો. જેને પગલે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી. ઉપરાંત ફાયરબ્રિગેડ અને મેટ્રોની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, પિલર નમ્યો તે પહેલા લોકો સુરક્ષિત સ્થળે ખસી જતા મોટી જાનહાનિ ટળી હતી.
અમદાવાદ મેટ્રોના કામકાજમાં બેદરકારીનો આ કોઈ પહેલો બનાવ નથી. આ પહેલા પણ જ્યારે વસ્ત્રાલમાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આ જ રીતે થાંભલાનું સ્ટ્રક્ચર પડી ગયું હતું. જોકે, એ ઘટનામાં પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં સિઝનનો 93 ટકા વરસાદ નોંધાયો, 2017 બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ 30 ઈંચ વરસાદ ખાબક્યો