ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: 1.25 લાખ મુસાફરોના મેટ્રો કાર્ડ રદ થશે, જાણો શું છે કારણ

  • કાર્ડમાં રિચાર્જ કરવાનું છેલ્લા અઠવાડિયાથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવાયું
  • વર્ષ 2019માં આપણી મેટ્રો ટ્રાવેલ કાર્ડ નામે પ્રિપેઇડ મેટ્રો કાર્ડ બહાર પાડયા હતા
  • આ મામલે મુસાફરો અને મેટ્રોના સ્ટાફ વચ્ચે ભારે રકઝકના બનાવો બની રહ્યા છે

ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં હવે મુસાફરો માટે નવા પ્રિપેઇડ મેટ્રો કાર્ડ ઇશ્યું કરવામાં નહીં આવે. જે જુના 1.25 લાખ કાર્ડ ઇશ્યું કરાયેલા છે તે કાર્ડ પણ રિચાર્જની રકમ હશે ત્યાં સુધી જ ચાલશે પછી તે પણ બંધ થઇ જશે. એટલે કે મેટ્રોમાં મુસાફરી માટે વર્ષ 2019થી ઇશ્યું કરવામાં આવતા આ મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું છેલ્લા અઠવાડિયાથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા વિદાય પહેલા જોરદાર વરસાદ લાવશે, જાણો કયા છે એલર્ટ 

આ મામલે મુસાફરો અને મેટ્રોના સ્ટાફ વચ્ચે ભારે રકઝકના બનાવો બની રહ્યા છે

અગાઉથી મુસાફરોને કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વગર બારોબાર મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું એકાએક બંધ કરી દેવાતા તેમજ નવા કાર્ડ ઇશ્યું જ ન કરાતા રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મેટ્રો કાર્ડના સ્થાને મુસાફરી માટે હવે નેશનલ કોમન મોબિલીટી કાર્ડનો મેટ્રોમાં અમલ શરૂ કરાશે. ટ્રેનમાં મુસાફરી કરતા ગરીબ અને સામાન્ય વર્ગને આ કાર્ડ અંગેની પુરતી જાણકારી જ ન હોવાથી આવા મુસાફરો અવઢવની સ્થિતિમાં મુકાઇ ગયા છે. હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેનના સ્ટેશન પર આ મામલે મુસાફરો અને મેટ્રોના સ્ટાફ વચ્ચે ભારે રકઝકના બનાવો બની રહ્યા છે.

વર્ષ 2019માં આપણી મેટ્રો ટ્રાવેલ કાર્ડ નામે પ્રિપેઇડ મેટ્રો કાર્ડ બહાર પાડયા હતા

અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ અને વાસણાથી મોટેરા સુધી દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના દોઢેક લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેના થકી 16 લાખ જેટલી જંગી આવક મેટ્રોને થઇ રહી છે. વિદ્યાર્થી, ધંધાદારી, નોકરિયાત વર્ગ માટે મેટ્રો ટ્રેનની સુવિધા હાથવગી અને ઝડપી હોવાથી જાહેર પરિવહનના સબળ માધ્યમ તરીકે અમદાવાદમાં તેને શહેરીજનો દ્વારા મુસાફરી માટે સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે રોજ ટિકિટ લેવા કાઉન્ટરો પર લાઇનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સ્ટેશન પર ટોકન લઇને દરવાજા પાસે ઉભા રહી સ્વેપ કરવાની લાઇનોમાં લાગવું ન પડે , મુસાફરોનો સમય અને શક્તિનો બચાવ થાય અને ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટ મળે તે માટે જીએમઆરસીએ વર્ષ 2019માં આપણી મેટ્રો ટ્રાવેલ કાર્ડ નામે પ્રિપેઇડ મેટ્રો કાર્ડ બહાર પાડયા હતા. જેને મુસાફરોએ હાથોહાથ લઇ લીધા હતા.

Back to top button