અમદાવાદ: લાંભા ઇન્દિરાનગરમાં લાંબા સમયથી પાઇપલાઈન તથા ગટરની સમસ્યા યથાવત; આવેદનપત્ર અપાયું
અમદાવાદ 21 મે 2024: શહેરના લાંભા વોર્ડના ઇન્દિરાનગર વિસ્તારમાં ઘણા સમયથી પાઇપલાઇન તથા ગટરની સમસ્યાઓનો સામનો ત્યાંના રહીશો કરી રહ્યાં છે. ત્યારે હવે લોકોએ આ સમસ્યાથી તોબા પોકારી છે અને મણીનગરના કોર્પોરેશનના અધિકારીઓને સમસ્યાનું સમાધાન કરવા લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે.
સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવાની માંગ
ચોમાસા ઋતુ ચાલુ થવાનો સમય આવ્યો હોવાથી રોગચાળો ફેલાવવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે હવે કોર્પોરેશન આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ લાવે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી હતી. અન્યથા જો આ સમસ્યાનું સમાધાન તાત્કાલીક ધોરણે નહિ આવે તો આવનારા સમયમાં તમામ સ્થાનિકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી
ગટર ઉભરાતી હોવાથી ગંભીર રોગચાળો ફેલાવવાની શક્યતા
ઈન્દીરાનગરના રહેવાસી કલ્પેશ પરમારે એચડી ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગટર લાઈન વારંવાર ઉભરાતી હોવાથી સ્થાનિક રહીશોને ગંભીર રોગનો ભોગ બનવાની શક્યતા રહેલી છે. તો ગટરની નવી પાઈપ લાઈન તેમજ નવી ચેમ્બર નાંખી આપવા અને નવા કનેક્શનમાં જોડાણ કરી આપવા અમદાવાદ મ્યુનિ. કોર્પોને તાકીદે પગલા લેવા અને આ બાબતે ખાસ ધ્યાન દોરવા મહેરબાની સાથે વિનંતી કરી છે. આ બાબતે વારંવાર રજુઆત અને અરજીઓ આપવા છતાં કોર્પોરેશન કે તંત્રના અધિકારીઓ ધ્યાન દોરતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા છે તો ચોમાસામાં ભારે તેમજ સામાન્ય વરસાદમાં ગટરો ઉભરાવાની શક્યતા છે. તેવા સમયે રોગચાળો ફાટી નિકળે અને અમો સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઈએ તેવા સંજોગોના લીધે ના છુટકે અમારે ફરિયાદ કરવાની ફરજ થઈ પડી છે. જો આગામી એક સપ્તાહમાં કામગીરી કરવામાં નહી આવે તો અમારે નાછુટકે આ બાબતે દાણાપીઠ અમ.મ્યુનિ. કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે.