AMC એ 20 હજારથી વધુ ખાડા પૂરી દીધાના દાવા સામે સ્થાનિકોએ અનોખી રીતે નોંધાવ્યો વિરોધ
રાજ્યમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓની સ્થિતિ ખરાબ છે ત્યારે હવે સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે વિરોધ કરવાની શરૂઆત કરી છે. અમદાવાદમાં સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં ખાડાઓનું પૂજન કરી મનપા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં નવા વાડજના લોકોએ અનોખી રીતે ઉબડ-ખાબડ રસ્તાનો વિરોધ કર્યો. જેમાં વિરોધ કરવા સ્થાનિકો ઢોલ-નગારા અને ફૂલો લઈ બહાર નીકળી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક સ્કૂલ રોડ બિસ્માર હાલતમાં છે. જેમાં અનેક રજૂઆતો છતાં પણ ખાડા પૂરવાનું કામ ના થતા સ્થાનિકોએ અનોખો રસ્તો અપનાવ્યો. હાથમાં ઢોલ-નગારા સાથે સ્થાનિકો ખાડા સુધી નીકળી પડ્યા છે. ખાડા પાસે જઈ મનપા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા નારેબાજી તેમજ ખાડાનું પૂજન કરવામાં આવ્યું.
સ્થાનિકોએ કટાક્ષ કર્યો કે ચોમાસામાં ખાડાની પધરામણી થઈ છે તો તેની આરતી કરી રહ્યા છીએ..આ ખાડાથી જ તો કેટલાક હાડવૈદ્યને ઘણી આવકનો મોકો મળ્યો છે.. પ્રજાનો અવાજ સાંભળવા કોર્પોરેટર તૈયાર નથી અને એ સહન ના થતા આ રસ્તો અપનાવવો પડ્યો છે. સિનિયર સીટીઝન પ્રહલાદ ભાવસાર તો જણાવે છે કે ઉંમરલાયક લોકો તો આવા ડિસ્કો ડાન્સર રસ્તા પર નીકળી નથી શકતા, કોર્પોરેટર ને જાણ કરતા તેમણે દિવાળી બાદ રસ્તા બનશે એવો જવાબ આપ્યો છે.
જ્યારે બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા એ જ સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી તેમણે 20 હજાર થી વધારે ખાડાઓનું પુરાણ કર્યું છે. આમ છતાં હજીપણ અનેક વિસ્તારોમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે અને મનપા ધ્યાને નથી લઈ રહી ત્યારે લોકોએ તંત્રની આંખો ખોલવા શહેરીજનોએ વિરોધનો અનોખો રસ્તો અપનાવતા ઢોલ-નગારા સાથે તૂટેલા રસ્તાઓ પર નીકળી ખાડાની પૂજા કરી છે.
AMCનો દાવો 20 હજારથી વધુ ખાડાનું પુરાણ કર્યુ
જે રીતે વરસાદના કારણે અમદાવાદ શહેરના રસ્તા પર ખાડા પડ્યા હતા તેના બાદ AMC એ દાવો કર્યો છે કે સિઝનમાં 20 હજારથી વધુ ખાડા પુરાણ કર્યા. જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 6314, પૂર્વમાં 4346, ઉત્તરમાં 4068, ઉ. પશ્ચિમમાં 3927, પશ્ચિમમાં 3267, દ. પશ્ચિમમાં 1771 અને મધ્યમાં 1545 ખાડા પૂર્યાનો દાવો કરાયો છે. જ્યારે 83 મોટા ભુવા પડવાના બનાવો પણ શહેરમાં બન્યા છે.
આ પણ વાંચો : ‘અટલ બ્રીજ’ ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો, શું છે લાક્ષણિકતાઓ