અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી; ગ્રામ્યમાં 64 બુથ સંવેદનશીલ જાહેર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો


અમદાવાદ ફેબ્રુઆરી 2025; રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આવતીકાલ 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાજ્યભરમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. સાથે જ પોલીસ વિભાગે પણ સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
1 ASP, 4 DYSP, 8 PI, 24 PSI, 1 SRP ખડે પગે
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. બાવળા, સાણંદ ધંધુકામાં નગરપાલિકાની બેઠક માટે પેટા ચૂંટણીઓ યોજાશે. તમામ સ્થળોએ 1 ASP, 4 DYSP, 8 PI, 24 PSI અને એક કંપની SRPની રાખવામાં આવશે અને 8 QRT ટીમ પણ રાખવામાં આવશે. ઉપરાંત 434 પોલીસ કર્મચારીઓ અને 305 હોમગાર્ડ પણ હાજર રહેશે. સાથે 100 જેટલા વાહન અને 1000 પોલીસ કર્મચારીઓ ચૂંટણીમાં બંદોબસ્તમાં ખડે પગે તૈનાત રહેશે. વધુમાં અત્યાર સુધીમાં નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે 839 અટકાયતી પગલાં અને 230 હથિયાર કબજે કરાયા છે.
SPએ જાતે જઈને નિરીક્ષણ કર્યું
આમ કુલ 24 બિલ્ડીંગ સંવેદનશીલ છે અને 64 બુથ સંવેદનશીલ બુથ છે. જ્યાં હથિયારધારી કોન્સ્ટેબલ આવા બુથ ઉપર હાજર રહેશે. સાથે આ સંવેદનશીલ વિસ્તારોમાં LCB અને SOGની ટીમો પણ હાજર રહેશે. ધંધુકામાં 4, ધોળકામાં 1, બાવલામાં 3, સાણંદમાં 6 બિલ્ડીંગ અસલાલીમાં 5 બિલ્ડીંગ સંવેદનશીલ બુથ છે. જ્યાં SP દ્વારા જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.