અમદાવાદ : વિવાદિત જોગવાઈને પગલે ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટી ભરતી અટવાઇ


- ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી
- ભરતીને લઈને એક વિવાદિત જોગવાઈને લઈને મોટી મૂંઝવણ
- ગુજરાત યુનિ.સહિતની ઘણી સરકારી યુનિ.માં ભરતી થઈ શકી નથી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 11 સરકારી યુનિ.ઓ માટે કોમન એક્ટ લાગુ કરાયા બાદ ગત વર્ષે જાહેર કરાયેલા કોમન મોડલ સ્ટેચ્યુટમાં ભરતીને લઈને એક વિવાદિત જોગવાઈને લઈને મોટી મૂંઝવણ ઊભી થઈ છે.
ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી
ગુજરાત યુનિવર્સિટીએ સ્ટેચ્યુટમાં સિલેકશન કમિટીના સભ્યોને 7 દિવસ પહેલા જ તમામ ઉમેદવારોના બાયોડેટા-વિગતો મોકલી દેવાની જોગવાઈને દૂર કરવા રાજ્ય સરકારને રજૂઆત પણ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે અને નેકમાં પણ સ્ટાફની ઘટને લીધે યુનિ.ને ગ્રેડિંગ-સ્કોરમાં અસર પડી હતી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી માટે ભરતી કરવી ખૂબ જ જરૂરી છે.
ગુજરાત યુનિ.સહિતની ઘણી સરકારી યુનિ.માં ભરતી થઈ શકી નથી
ગુજરાત યુનિ.દ્વારા અગાઉ ઓક્ટોબર 2022માં કલાર્ક, વહિવટી અધિકારીઓથી માંડી અન્ય નોન ટીચિંગ જગ્યાઓ અને વિવિધ વિભાગો-વિષયોમાં ટીચિંગ સ્ટાફની ભરતી જાહેર કરાઈ હતી. પરંતુ, આ ભરતી આંતરિક વિવાદને પગલે ફેબ્રુઆરી-2023માં એકાએક અટકાવી દેવાઈ હતી. આ દરમિયાન જુલાઈમાં નવા કુલપતિ આવ્યા અને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને ભરતી થઈ શકી નહતી. પરંતુ, કોમન એક્ટ લાગુ થયા બાદ અને ગત વર્ષે જુલાઈમાં કોમન મોડલ સ્ટેચ્યુટ પણ લાગુ થઈ ગયો છે. જો કે તેમ છતાં હજુ સુધી ગુજરાત યુનિ.સહિતની ઘણી સરકારી યુનિ.માં ભરતી થઈ શકી નથી.
આ પણ વાંચો: ગુજરાત : ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાશે જેમાં અનેક રસ્તાઓ વાહનો માટે બંધ