અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારીએ લીધો મજૂરનો જીવ, કોંગ્રેસ કાર્યકર્તાએ ઉઠાવ્યા સવાલ

અમદાવાદ, 1 ફેબ્રુઆરી 2026: અમદાવાદના કઠવાડા વિસ્તારમાં મજુરી કામ કરતા કિરણ બાબુભાઈ ડોડિયા (રહે. ઓઢવ)નું અકસ્માત પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. આ ઘટનામાં હોસ્પિટલ તંત્ર પર તાત્કાલિક સારવારમાં વિલંબ અને બેદરકારીના આરોપો લાગ્યા છે. કોંગ્રેસના યુવા કાર્યકર્તા ફેનિલ મેવાડાએ આ મુદ્દાને સોશિયલ મીડિયા પર ઉજાગર કરીને તપાસની માંગ કરી છે.
ઓઢવ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અનેક મજૂરો માટે જીવન એક જેવું જ છે – સવારે ઊઠીને કામની શોધમાં નીકળી પડવું અને રોજી-રોટી કમાવવા માટે કઠિન મહેનત કરવી. આ મજૂરો ઘણીવાર નાજુક પરિસ્થિતિઓમાં, કોઇ સુરક્ષા ઉપકરણ વિના, ભારે અને જોખમી કામો કરતા હોય છે. તેમ છતાં, આર્થિક દબાણ અને પરિવારનું ભરણ-પોષણ કરવાની જવાબદારીને કારણે તેઓ આ જોખમી પરિસ્થિતિઓને સહન કરતા રહે છે. આ વ્યવસ્થા અનેક વર્ષોથી ચાલી રહી છે, અને ઓઢવ વિસ્તારના અનેક મજૂરો તેમાં સામેલ છે.
ઘટનાની વિગતો અનુસાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઓઢવથી પાંચ મજૂરો, જેમાં કિરણ બાબુભાઈ ડોડિયા પણ સામેલ હતો – કઠવાડામાં એક શેઠના ત્યાં મજુરી કામ કરવા ગયા. તેમનું કામ હતું કઠવાડાથી ભારે તિજોરીઓ ભરીને બાયડમાં એક વ્યક્તિ પાસે પહોંચાડવું અને ત્યાં તેને અનલોડ કરવું. બાયડ પહોંચ્યા પછી, આ તિજોરીઓને બીજા માળે ચઢાવવાની હતી.
આ મજૂરો કઠવાડાથી 500 કિલો થી 1 ટન વજનની તિજોરીઓ ભરીને બાયડ ગયા. મજૂરો પાસે કોઈ આધુનિક ક્રેન કે મશીનરી નહોતી. તેઓ પરંપરાગત રીતે ચેન અને ખપ્પા વાપરીને તિજોરીને ઉપર ખેંચતા હતા. આ માટે તેઓ મકાનના એક બિમ સાથે ચેન બાંધીને વજનને બેલેન્સ કરતા હતા. પરંતુ તિજોરીનું વજન વધારે હોવાથી, બિમ તેને સહન ન કરી શક્યું અને અચાનક તૂટી પડ્યું. તિજોરી પણ તેની સાથે નીચે ધડામ કરીને પડી. કોઈ સેફ્ટી વ્યવસ્થા વગર કામ કરી રહેલા મજૂરોમાંથી કિરણ પર તિજોરી અને બિમ પડ્યા, જેના કારણે તેનો એક પગ તૂટી ગયો અને એક બાજુનું ફેફસું સંપૂર્ણ ડેમેજ થઈ ગયું.
અકસ્માત થતા જ, બાયડના તે વ્યક્તિ (જેના ત્યાં કામ ચાલી રહ્યું હતું)એ કિરણને તરત જ પોતાના મિત્રની એક નાની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર શરૂ કરી. ત્યાં ગ્લુકોઝની બોટલો ચડાવવામાં આવી અને પ્રાથમિક દર્દનિવારક દવાઓ આપવામાં આવી. પરંતુ કિરણની તબિયત ઝડપથી લથડી રહી હતી – તેનુ ફેફસું કામ કરતું નહોતું, અને પગની ઈજા વધુ ગંભીર બની રહી હતી.
આ વ્યક્તિને ડર લાગ્યો કે પોલીસ કેસ બનશે તો મુશ્કેલી થશે. તેથી તેણે બાકીના મજૂરોને ધમકાવ્યા- “આ વાત કોઈને કહેશો તો તમારા પર પણ કેસ થશે અને કામ મળવું બંધ થઈ જશે.” તેણે પ્રાઈવેટ વાહનમાં કિરણને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો. અકસ્માત થયાના 4-5 કલાક પછી કિરણ હોસ્પિટલ પહોંચ્યો – આ વિલંબ તેના મૃત્યુનું મુખ્ય કારણ બન્યું. બાકીના મજૂરો, જેઓ ડરેલા અને ગભરાયેલા હતા, તેઓએ માનવતા દાખવીને કિરણને એડમિટ કરાવ્યો અને પછી ઘરે જઈને તેના પરિવારને જાણ કરી. કિરણની માતા અને બે ભાઈઓ તરત જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.
સિવિલ હોસ્પિટલમાં બેદરકારી અને વિલંબ
સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા પછી, કિરણના એક્સ-રે અને સોનોગ્રાફી કરવામાં આવ્યા. પરંતુ આ માત્ર દેખાડા માટે હતા. પરિવારને આખી રાત ધક્કા ખવડાવવામાં આવ્યા. એક વોર્ડથી બીજા વોર્ડમાં દોડાવ્યા, પેપરવર્કમાં વિલંબ કર્યો અને ડોક્ટરો ન હોવાનુ બહાનું કર્યું.
હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક MLC ફરિયાદ કરાવવી જોઈતી હતી, જે અકસ્માતના કેસમાં ફરજિયાત હોય છે. પરંતુ તેઓએ બેદરકારી દાખવી અને પોલીસ રૂમમાં કોઈ જાણ કરી નહીં. પરિવારને હેરાન કરવામાં આવ્યો, અને ઓપરેશનની વાતને ટાળવામાં આવી. બીજા દિવસે (2 ફેબ્રુઆરી 2026) સવારે 10 વાગ્યે ઓપરેશન શરૂ થયું. પરંતુ ત્યાં સુધી કિરણની તબિયત પૂરી રીતે લથડી ગઈ હતી, જેથી ઓપરેશન દરમિયાન જ તેનું મોત થયુ.
કિરણનું મૃત્યુ થતા જ હોસ્પિટલનું વલણ બદલાઈ ગયું. તેઓએ MLC રિપોર્ટ માટે પરિવારને ધક્કા ખવડાવવાનુ શરૂ કર્યુ અને પોસ્ટ-મોર્ટમની પ્રક્રિયા ઝડપથી કરી. પરંતુ ત્યાં સુધી અપરાધીઓ (શેઠ અને બાયડના વ્યક્તિ)ને પકડવા માટે કોઈ કાર્યવાહી નહોતી થઈ.
કોંગ્રેસ યુવા કાર્યકર્તા ફેનિલ મેવાડાએ આને ગુજરાતના “ટોપ મોડલ”ની સાચી તસવીર ગણાવી છે. તેમણે પૂછ્યું: “જ્યાં ગરીબ મજૂર જીવ બચાવવા આવે છે, ત્યાં તેને વેઈટિંગમાં રાખીને મોતની રાહ જોવડાવાય છે? શું આપણા હોસ્પિટલોમાં માનવતા ખતમ થઈ ગઈ છે?” શેઠ અને કોન્ટ્રાક્ટર હજુ આઝાદ છે – કોઈ કાર્યવાહી નહીં. એક પરિવારનું ઘર અંધારાંમાં ધકેલાઈ ગયું, એક માતાની આંખોમાં આંસુ સૂકાતા નથી, અને એક પ્રશ્ન ઊભો છે કે મરનારના પરિવારને ન્યાય મળશે કે ભીનું સંકેલાઈ જાય છે?
આ પણ વાંચો: 50 લાખની સટ્ટાબજાર ડીલ, મારપીટ અને ટોર્ચર: ગાંધીનગર આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા












