અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી 7 દિવસના રિમાન્ડ પર
- સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી
- પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે સારવાર કરી
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી 7 દિવસના રિમાન્ડ પર છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી
ખ્યાતિ હોસ્પિટલના ડૉ.પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાંડ મંજૂર કર્યાં છે.
પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર
સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રકાશ મહેતાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડૉ. પ્રકાશ મહેતા ઉપરાંત, અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. મંગળવારે આ ટીમના સભ્યોએ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા કે, 19 દદીઓ પૈકી કોઈ દર્દીને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાંય, પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી.
બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ
જેમાં મૃત્યું પામેલા દર્દી મહેશ બારોટનો રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે, એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઈ કારણ નહોતું અને ઓપરેશન દરમિયાન કોઈ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ, બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.