અમદાવાદ : 3 વર્ષ પછી યોજાશે કાંકરિયા કાર્નિવલ, શું હશે મુખ્ય આકર્ષણ ?
છેલ્લા 3 વર્ષમાં અમદાવાદમાં કોરોનાને કારણે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન થઈ શક્યું નહોતું. આ વખતે અનેક નવિનતાઓ સાથે પણ કોરોનાની કાળજીઓ રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તે ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો યોજવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. આવતીકાલ 25 ડિસેમ્બર થી લઈ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકવામાં આવશે. આ સાથે જરિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્લાવર શો યોજાશે. જેમાં 14 દિવસ માટે 2.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફ્લાવરશોમાં સ્કૂલ અને 12 વર્ષથી નાના બાળકોને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે. દર વખતે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો ની એક થીમ બનાવવામાં આવે છે. ત્યારે આ વખતે G20 સમિટ, આઝાદી અમૃત કાળ, આયુર્વેદિક, સ્પોર્ટ્સ સહિતની થીમ પર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, આ વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી
200 થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ દેશી વિદેશી ફૂલ છોડ જોવા મળશે. તે ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, વિવિધ પશુ પંખી અને વિષયના આકર્ષક ફલાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે. ફ્લાવર શોમાં 30 રૂપિયા એન્ટ્રી ફી લેવાશે. જેમાં સ્કૂલ અને 12 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ ફ્રી રહેશે. ફ્લાવર શોના 14 દિવસ દરમિયાન રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલો અટલ બ્રિજ બપોરે બે વાગ્યા પછી બંધ કરી દેવામાં આવશે.
કયા દિવસે કયા કલાકાર આવશે
- 26-12 ભૌમિક શાહ (બોલિવુડ સિંગર)
- 27-12 જીગ્નેશ બારોટ અને કાજલ મહેરિયા (લોકગાયક )
- 28-12 સાંઈરામ દવે (ગુજરાતી કલાકાર)
- 29-12 વિજય સુંવાળા (લોકગાયક)
- 30-12 આદિત્ય ગઢવી (સિંગર)
કાર્નિવલમાં ખાસ શું હશે તેના પર નજર કરીએ
- બાળકોને સાહસિક બનાવતી પ્રવૃતિઓ
- ફિટનેસને ધ્યાનમાં રાખતા વિવિધ કાર્યક્રમો
- ડાન્સ કોમ્પિટિશન
- સમૂહ તબલા વાદન
- મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ શૉ
- ગુજરાત પોલીસ દ્વારા ડોગ શૉ એન્ડ હોર્સ શૉ