અમદાવાદઃ જોર સે ક્યુ ગાડી ચલા રહે હો? કહેતા ઈગો હટ થઈ જતા હત્યા કરી; પોલીસ કર્મચારી પંજાબથી ઝડપાયો

15 નવેમ્બર અમદાવાદ: તારીખ 10 નવેમ્બર 2024ના રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ બોપલ વિસ્તારમાં સામાન્ય ગાડી ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થતા સરખેજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કર્મચારીએ MICAનાં વિદ્યાર્થીની હત્યા કરી ફરાર થઈ ચૂક્યો હતો. જેને પંજાબના સંગરુર જિલ્લાથી અમદાવાદ ગ્રામ્ય અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
જોર સે ક્યુ ગાડી ચલા રહે હો? કહેતા હત્યા કરી
શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે JCP શરદ સિંઘલે પત્રકાર પરિષદનું આયોજન કરતા જણાવ્યું હતું કે 10 નવેમ્બરના રોજ શહેરના બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્ષથી રેન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ વળાંક પાસે બુલેટ પર બે વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા. જે સમયે સરખેજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા ફોરવીલર ચાલક પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા સાથે ગાડી પૂર ઝડપે તથા જોખમી રીતે ચલાવવા બાબતે “ઇતની જોર સે ક્યુ ગાડી ચલા રહે હો”? તેમ કહેતા આરોપીએ ઝઘડો કરી MICAનાં વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીનાં ઘા મારી હત્યા કરી હત્યા કરી અલગ અલગ રસ્તેથી પંજાબ ભાગી ગયો હતો.
ફરાર આરોપી પંજાબથી ઝડપાયો
જેસીપીએ ઉમેર્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ તપાસ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ઘટના સમયે જે વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી તેની સાથે તેનો એક મિત્ર પણ હાજર હતો જેના દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. તેના જણાવ્યા મુજબ આરોપીનો સ્કેચ તૈયાર કરી સોશિયલ મીડિયા તથા ન્યુઝ પેપરના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે બાદ અંગત ઇનપુટ દ્વારા માહિતી મળતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબના સંગરુર પટિયાલા રોડ ઉપર આવેલા સનામ ગામ નજીક રોડ ઉપરથી ઝડપી પાડી અમદાવાદ લાવી વધુ તપાસ માટે ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે.
આરોપી પોલીસ કર્મચારી 3 જેટલા ગુના પોલીસ ચોપડે
અત્રે મહત્વનું છે કે અત્યારના આરોપી પોલીસ કર્મચારીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે સાથે હત્યાના સમયે આરોપી પાસે ગાડીમાં વધુ કોઈ હથિયાર હતા કે નહીં તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે. જેસીપી હત્યાનું મુખ્ય કારણ જણાવતાં કહ્યું હતું કે વધારે પડતો ગુસ્સો અને ઈગો પ્રોબ્લેમ હોઈ શકે છે, આરોપી પોલીસ કર્મચારી ઉપર અગાઉ પણ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બેથી ત્રણ ગુનાં નોંધાયેલા છે.