અમદાવાદઃ જોધપુર શાકભાજી માર્કેટ આંદોલનકારીઓની સરકારને ચીમકી; માંગ સ્વીકારશે નહીં તો જાહેરમાં જીવનો ત્યાગ કરશે

2 માર્ચ 2025 અમદાવાદ; બે મહિનાથી વધુ સમયથી અમદાવાદ શહેરના જોધપુર શાકભાજી માર્કેટ ખાતે પોતાનું જૂનું શાકભાજી માર્કેટ મેળવવા માટે શાકભાજીના વેપારીઓ તેમજ લારી ગલ્લા પાથરણાનાં નાના મોટા વેપારીઓ જાહેર રસ્તા ઉપર બેસીને સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. જેમાં તમામ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ અવારનવાર મુલાકાત લીધી છે અને અત્યાર સુધી 9 વખત સરકારની તમામ જવાબદાર ઓથોરિટીને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ દાણાપીઠ ખાતે ડે મ્યુ કમિશ્નર મિરાંત પરીખ દ્વારા તેમની રજૂઆત સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે કેવા પ્રકારની ચર્ચા થઈ સમજી એવી વિગતવાર.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મળવા બોલાવ્યા
લારી ગલ્લા પાથરણાં સમિતિ પ્રમુખ રાકેશ મહેરીયા HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મિરાંત પરીખ દ્વારા આંદોલન કરતા લોકોને મળવા બોલાવી જોધપુર વિસ્તારના પ્લોટના નકશા બતાવવામાં આવ્યા હતા. જે બાબતે નકશામાં કોઈ પ્રકારની સમજ પડી ન હતી. તેમજ આંદોલન કરતા લોકોએ ફોટોગ્રાફ આપ્યા તે પ્લોટની વાત કરતા ડેપ્યુટી મ્યુ કમિશ્નર દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ધારાસભ્ય કે કોર્પોરેટરની લેખિત અરજી કે હુકમ અમને ના મળે ત્યાં સુધી અમે કઈજ કરી શકીએ નહીં.
માંગ સ્વીકારવામાં નહીં આવે તો જીવનો ત્યાગ કરાશે
તેમણે ઉમેર્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે અમારી કોઈ સત્તા નથી એજ રીતે જ્યારે ધારાસભ્ય કે કોર્પોરેટરને મળીએ ત્યારે તે લોકો દ્વારા મ્યુ કૉર્પોરેશન તમારા માટે વ્યવસ્થા કરશે. ત્યારે હવે પોતાના જીવ આપવા મજબૂર બનેલા જોધપુરના શાકભાજી માર્કેટના આંદોલનકારીઓની વાત ધ્યાને લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ થતા મંગળવારના રોજ 13થી વધુ લોકો પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જઈ પોતાના જીવન ત્યાગ કરશે ત્યારે મહેનત કરતા સ્વ રોજગારીઓ લડશે. તેવી ચિમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સતત બે મહિનાથી વધુ સમયથી મોટી સંખ્યામાં જોધપુર શાકભાજી માર્કેટ ખાતે નાના વેપારી આંદોલન કરી રહ્યા છે કારણકે તેમની રોજગારી નો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જે અંગે સરકાર દ્વારા પણ યોગ્ય નિર્ણય લેવા માટેની વિચારણા શરૂ કરાઇ છે. શક્ય બની શકે કે થોડાક જ દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ધારાસભ્યો તેમ જ કોર્પોરેટરો મળીને આ વિવાદનો અંત લાવશે.