અમદાવાદઃ જગન્નાથ મંદિરથી આવતીકાલે વાજતે-ગાજતે નીકળશે જળયાત્રા
અમદાવાદ, 21 જૂન: આગામી અષાઢ સુદ બીજે યોજાનારી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં જગન્નાથ મંદિરે આ માટે તૈયારીઓ ચાલે છે. આ સંદર્ભમાં આવતીકાલે જેઠ સુદ પુનમને 22 જૂને જળયાત્રા થશે. રથયાત્રાનો પહેલા પડાવ એટલે જળયાત્રાનું આયોજન કરાશે. સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે.
રથયાત્રા મહોત્સવનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા
દર વર્ષની જેમ જ આ વર્ષે સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવશે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવવામાં આવશે.
ધ્વજ પતાકા અને કાવડ તૈયાર
જળયાત્રાને લઈ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. ખાસ કરીને ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. જેમણે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સુરક્ષાની ખાતરી મેળવી હતી. હાલ આ તમામ તૈયારીઓ વચ્ચે જગન્નાથ મંદિરમાં બળદગાળાને શણગાર કરવાનું કામ શરૂ કરાયું છે સાથે જ ધ્વજ પતાકા અને કાવડ પણ તૈયાર કરાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો જેલ થશે, પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે