અમદાવાદઃ 35 કરોડથી વધારે પ્રિ બુકિંગનાં નામે ખંખેર્યા PRIVILON સ્કેમનાં કૌભાંડી જયદીપ કોટકની ધરપકડ; હિરેન કારિયા હજુ ફરાર
27 ડિસેમ્બર 2024 અમદાવાદ; શહેરના સાઉથ બોપલમાં પ્રિવિલોન ગ્રુપ દ્વારા સેલેસ્ટેલ બાય 14 સ્ટોરીઝ અને રીચમંડ બાય 22 સ્ટોરીઝ નામની બે સ્કીમ બહાર પાડવામાં આવી હતી. જેમાં 200 જેટલા ગ્રાહકો પાસેથી ₹35 કરોડથી વધારે જેટલી રકમ પ્રી બુકિંગના નામે મેળવી જયદીપ કોટક અને હિરેન કારિયા ફરાર થઈ ચૂક્યા હતા. જે અંગે બોપલ પોલીસમાં કુલ 183 થી વધુ ફરિયાદો આવી છે જેમાં કુલ બે એફઆઇઆર નોંધવામાં આવી છે. અને હાલ આ અંગે મુખ્ય આરોપી જયદીપ કોટકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
35 કરોડ લઈ ફરાર; પોલીસમાં 183 અરજી અપાઇ
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રિવિલોન ગ્રુપ દ્વારા કોઈપણ જાતના ગવર્મેન્ટ રૂલ્સ ફોલો કર્યા વગર ફ્રી પ્રપોઝ નામે આશરે 35 કરોડથી વધારે જેટલી રકમ ચેક અને કેશથી મેળવી લેવામાં આવી હતી. જેમાં જમીન ખરીદી કર્યા વગર, રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. જે જમીન ઉપર બાંધકામ થવાનું હતું તે જમીનનાં મૂળ માલિક અશોક ડાહ્યા ભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપર હોવાનું સામે આવ્યું છે. ક્યારે આ બંને જમીન માલિકોનો આ કેસમાં શું રોલ છે? તેની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ માટે SITની રચનાં, આરોપી જમીન દલાલી કરતા
SPએ વધુમાં જણાવ્યું હતું કે હિરેન કારીયા વિરુદ્ધ અગાઉ જૂનાગઢમાં પોલીસ IPC 386 મુજબ ગુનો પણ નોંધાયેલો છે. આરોપી જયદીપ કોટક 2013થી જમીન દલાલીનું કામ કરતો હતો અને હિરેન કારિયા પણ જુનાગઢ ખાતે જમીન દલાલી અને બિલ્ડર પ્રોજેક્ટનું કામ કરતો હતો. કેસની ગંભીરતાને જોઈને એસઆઇટીની રચના કરવામાં આવી છે. અને એસઆઇટીમાં બે ડીવાયએસપી અને એક પીઆઈને સામેલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસની તપાસ હવે આ એસઆઇટી કરશે. હાલ જયદીપ કોટકને 14 દિવસની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને હિરેન કારિયાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
એસપીએ ખાસ જણાવ્યું હતું કે બંને આરોપીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે. અને જો સ્કેમનાં રૂપિયાથી કોઈ પણ પ્રોપર્ટી અથવા રોકાણ કરવામાં આવ્યું હશે તો સીલ કરવામા આવશે.