અમદાવાદ : પરેડમાં હાજર ન રહેતા 250 કર્મીને IPS અધિકારીએ ફટકાર્યો આર્થિક દંડ


- IPS અધિકારીએ દંડની રકમ સત્તાવાર રીતે સરકારમાં જમા કરાવી
- રૂપિયા 500થી માંડીને 2000 સુધીનો દંડ ફટકારાયો
- પોલીસ પરેડમાં જાય તો તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે : અધિકારી
અમદાવાદના એક IPS અધિકારીએ લગભગ 250 જેટલા પોલીસ કર્મચારીઓને પરેડમાં નહીં ગયા હોવાથી તથા પરેડમાં લેટ પડ્યા હોવાનું જણાવીને નોટિસ આપીને રૂપિયા 500થી માંડીને 2000 સુધીનો દંડ ફટકારતાં સોપો પડી ગયો છે.
IPS અધિકારીએ દંડની રકમ સત્તાવાર રીતે સરકારમાં જમા કરાવી
કર્મચારીઓમાં આ અધિકારી સામે આક્રોશ છે પણ IPS અધિકારીએ દંડની રકમ સત્તાવાર રીતે સરકારમાં જમા કરાવવા આપી દીધી હોવાથી કોઈ બોલી શકે તેમ નથી. આ પોલીસ અધિકારીએ શિસ્તને લગતી આંતરિક બાબત હોવાથી સત્તાવાર રીતે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અનેકવાર ચેતવણી છતાં પરેડમાં ગુલ્લી મારતા કર્મચારીઓની સામે જ કડક બનીને એમને નોટિસ કે મેમો ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે
આ યુવાન IPS અધિકારીએ પોતાનો ACR ઉચ્ચ અધિકારીઓને સારો બતાવવા માટે 250 જેટલા પોલીસ કર્મચારીઓને મેમો આપ્યા હોવાનો ગણગણાટ છે પણ કોઈની ફરિયાદ કરવાની કે સામે બોલવાની હિંમત થતી નથી. અધિકારીએ હવે પછી આ પ્રકારની ગેરશિસ્ત નહીં ચલાવાય એવી ચીમકી પણ આપતા આ ઝોનમાં પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસ કર્મચારીઓની અંદરો અંદર ચાલતી ચર્ચા મુજબ કોઈ અધિકારીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યો હોવાથી તેમનું મોરલ ડાઉન થઈ રહ્યું છે. તેની સીધી અસર કામગીરી ઉપર પડશે.
પોલીસ પરેડમાં જાય તો તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે
પોલીસ પરેડમાં જાય તો તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને પોલીસ ડિસિપ્લિનમાં રહેવા માટે ટેવાય છે. શરીરથી ફીટ પોલીસ દોડાદોડી કરી શકે છે અને ગુનેગારોને પકડવા માટે પણ સજજ રહે છે. આ કારણે મહિનામાં ચાર દિવસ તો પરેડમાં દરેક પોલીસ કર્મચારીએ એ જવું જ જોઈએ તેમ અધિકારીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વાહનચાલકો બેફામ, બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મૃત્યુ