ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ: 24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મોનું AMA ખાતે સ્ક્રીનિંગ
- બાળકોની ફિલ્મ અને બાળકો વિશેની ફિલ્મ સૌએ પરિવાર સાથે માણવી જોઈએઃ આરતી પટેલ
- ફિલ્મમાં પ્રવેશ નિઃશુલ્ક હોવાથી વધુમાં વધુ લોકો ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો લાભ લેશે તેવી આયોજકોને આશા
અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરો પાડે છે. આ ફેસ્ટિવલમાં ગુજરાત ટુરિઝમ જે રાજ્યમાં સિનેમેટિક ટુરિઝમ તથા સાંસ્કૃતિક આયોજનને પ્રોત્સાહન આપે છે તે પણ જોડાયું છે. AICFF એક વાર્ષિક ઇવેન્ટ છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ફોર્મેટ પર આધારિત છે, આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રવૃતિઓ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(AMA)ખાતે 8મી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ, રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે. બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં માસ્ટર ક્લાસ, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, લેખકો અને દુનિયાભરના ફિલ્મના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે. ત્રીજો દિવસ કલોઝિંગ ફિલ્મ, એવોર્ડ નાઇટ અને સમાપન સમારંભ સાથે પૂર્ણ થશે. આ ફેસ્ટિવલ એક સ્પર્ધાના ફોર્મેટમાં છે તેથી છેલ્લા દિવસે દુનિયાભરની પ્રતિભાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
જુઓ આ વિડીયો:
પહેલા દિવસે ઈરાનની પર્શીયન ભાષાની ફિલ્મ ‘બાલિટ’ તથા છેલ્લા દિવસે ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ દર્શાવવામાં આવશે. આ ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા સાથે જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા આ ફેસ્ટિવલમાં જોડાશે. આ સાથે માસ્ટર મંજુનાથ (માલગુડી ડેઝ), શિલાદિત્ય બોરા, પંકજ રોય, અજીતપાલ સિંહ, વિશેષ અગ્રવાલ જેવા નામી હસ્તીઓ પણ હાજરી આપશે.
24 દેશોમાંથી 90થી વધુ ફિલ્મોનું AMA ખાતે સ્ક્રીનીંગ
AICFFએ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરમાંથી બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજુ કરવામાં આવે છે. વર્ષ 2019, 2020, 2021 અને 2022માં AICFFને વિશ્વભરમાંથી લગભગ 500 થી વધુ ફિલ્મો મળી હતી. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90 થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે. આ વર્ષે ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે જેઓ બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે, તેમની પ્રથમ ફિલ્મ ‘ઢ’ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી છે અને આ વર્ષે તેમની ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની’એ રાષ્ટ્રીય પુરસ્કારમાં ભારતની શ્રેષ્ઠ બાળ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. જ્યુરી સભ્યો તરીકે આરતી પટેલ, ગિરીશ મકવાણા તથા શિલાદિત્ય બોરા છે. આ વર્ષે સલાહકાર તરીકે જાણીતા નિર્દેશક નિર્માતા અભિષેક જૈન જોડાયા છે.
આ વર્ષની વિવિધ કેટેગરી અને એવોર્ડ્સ
બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ એક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને ગોલ્ડન કાઈટ એવોર્ડ, સિલ્વર કાઈટ એવોર્ડ અને બ્રોન્ઝ કાઈટ એવોર્ડ તરીકે વિશેષ એવોર્ડ્સ આપવામાં આવશે.
આ વર્ષના ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની જણાવે છે કે મને ખબર નથી કે આપણે બધા આપણી આવનારી પેઢી માટે કેટલું યોગદાન આપીએ છીએ પરંતુ સિનેમાના સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી સમાજમાં યોગદાન આપવું એ આપણી જવાબદારી છે. હું ફિલ્મો બનાવવાનું પસંદ કરું છું અને આપણી આગામી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે, આપણે બધાને પ્રેરણાની જરૂર છે અને આવા અનુભવ સાથે આપણે આવા ફેસ્ટિવલનો ભાગ બનવું જોઈએ.
ડૉ. સાવન ગોડિયાવાલા (Dr Savan Godiawala) પ્રેસિડેન્ટ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) જણાવ્યું કે “AMA એટલે એકધારું અને સતત ચાલતું શિક્ષણ અને અમે તમામ હિતધારકોની વિવિધ તાલીમ, મંચ અને કાર્યક્રમો દ્વારા શિક્ષણની જરૂરિયાતોને સતત સમર્થન આપીએ છીએ. ફિલ્મ ફેસ્ટિવલ આવી જ એક ઇવેન્ટ છે, જ્યાં અમે યુવા પેઢીને મનોરંજન સાથે શિક્ષણ પણ મળે એનો આગ્રહ રાખીએ છીએ. AMA ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું પ્રદર્શન એક ગર્વની ક્ષણ છે અને હું ઈચ્છું છું કે અમદાવાદના તમામ નાગરિકો તેનો મહત્તમ લાભ લે.”
આ પણ વાંચો:એનિમલ ફિલ્મે USAમાં તોડ્યો બાહુબલી-2નો રેકોર્ડઃ જાણો OTT રીલીઝ વિશે