અમદાવાદ, 4 માર્ચ 2024, એક કહેવત છે ‘મા તે મા બીજા બધા વન વગડાના વા’. આ કહેવતને અમદાવાદ રેલવે સ્ટેશન પર ખોટી સાબિત કરનારી ઘટના બની છે. એક નિષ્ઠુર માતા બે દિવસની કુમળી ફૂલ જેવી બાળકીને ટ્રેનમાં એક બેગમાં મુકી તેની પર ગરમ શાલ ઓઢાડીને ફરાર થઈ ગઈ છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ મુસાફરોએ રેલવે પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મુસાફરોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાંથી એક બેગમાંથી નવજાત બાળકીના રડવાનો અવાજ આવતાં મુસાફરોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. કોઈ અજાણી વ્યક્તિએ બેગમાં ગરમ શાલમાં બાળકીને વીંટાળી મૂકી દીધી હતી. બાળકીને જોતાં જીવિત હાલતમાં હતી. રેલવે પોલીસનો સ્ટાફ તાત્કાલિક ટ્રેનમાં પહોંચ્યો હતો. રેલવે પોલીસે જોયું તો બાળકીને ડાયપર પહેરાવેલું હતું અને ગરમ શાલ ઓઢાડવામાં આવેલી હતી.
બાળકીને હાલ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે
ઠંડીનો સમય હતો અને બાળકીને ત્યજી દેવામાં આવતાં પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.શહેર કોટડા લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT પ્રદીપસિંહ ત્યાં પહોંચ્યા હતા. તેમણે બાળકીને તપાસી ત્યારે તેની હાલત સારી હતી. જોકે તેને ખુલ્લામાં તજી દેવામાં આવી હતી. એને કારણે વધુ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. બાળકીને હાલ 1200 બેડ હોસ્પિટલમાં આવેલા ઘોડિયાઘરમાં રાખવામાં આવી છે અને તેની તબિયત સ્થિર હાલતમાં છે.
આ પણ વાંચોઃગુજરાતના મંદિરોમાં ત્રણ વર્ષમાં 3.16 કરોડની ચોરી, 40 આરોપીઓ પકડથી દૂર