અમદાવાદ : વિદેશ મોકલવાના નામે 49 લાખ પડાવી એજન્ટ ફરાર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદેશ મોકલવાના નામે કેટલાય એજન્ટો એક્ટિવ છે જે કેટલાય લોકોના લાખો કરોડો ચાઉ કરી ગયા છે. હજુ પણ આ સિલસિલો યથાવત છે ત્યારે કેનેડાના વર્ક વીઝા આપવાના નામે વીઝા એજન્ટે ત્રણ લોકોને કેનેડામાં વર્ક પરમીટ સાથેના વીઝા આપવાનું કહીને રૂપિયા 49 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ મથક ખાતે નોંધવામાં આવી છે. દિનેશ પટેલ નામના એજન્ટે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલા શાલીગ્રામ લેકવ્યુ કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરીને અનેકના લાખો રૂપિયા લઇને ઓફિસ બંધ કરી અને ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ડુપ્લીકેટ ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડતી આણંદ SOG
મળતી માહિતી મુજબ, સાયન્સ સીટી રોડ પર આવેલા આઇ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિક પટેલ ખાનગી કંપનીમાં ટેકનીકલ વિભાગમાં નોકરી કરે છે. મૌલિકને કેનેડા જવાની ઇચ્છા હોવાથી વિવિધ એજન્ટ અંગે તપાસ કરી રહ્યા હતા. ત્યારે સપ્ટેમ્બર 2019માં ફેસબુક પર વીઝા આર્ટ અને વીઝા બ્રીજની જાહેરાત જોઇ મૌલિકે સંપર્ક કરતા મેઘા શાહ નામની યુવતી તેમને મળી હતી અને તેણે જણાવ્યું હતું કે તેમની ઓફિસ વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલા શાલીગ્રામ લેકવ્યુ કોમ્પ્લેક્સમાં આવેલી છે અને તેમના સંચાલક દિનેશ પટેલ (રહે.પંચામૃત બંગલો, કલોલ) છે. જેથી મૌલિકે ઓફિસે જઇને સંપર્ક કરી ખાતરી કર્યા બાદ તેણે તેના ભાભી રૂચિતાબેન અને મિત્ર હાર્દિકાને પણ આ વાત કરી હતી.
આ પણ વાંચો : ખોટી ડિગ્રી પર નોકરી અને વિદેશ જવામાં સમગ્ર ગુજરાતમાં આ વિસ્તાર છે મોખરે !
દિનેશ પટેલે તેમના કેનેડાના વર્ક પરમીટની ખાતરી આપીને કુલ 49 લાખ રૂપિયા લીધા હતા. થોડા મહિના બાદ વીઝાના કોઇ કામગીરી ન થતા તેમણે દિનેશ પટેલને ફોન કર્યો હતો પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેથી ઓફિસમાં જઇને તપાસ કરતા ઓફિસ પણ બંધ કરીને દિનેશ પટેલ નાસી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. જે બાદ તેના કલોલ ખાતેના મકાન પર તપાસ કરતાં પણ તે ત્યા મળી આવ્યો નહોતો. મૌલિકને કેનેડા એમ્બેસીથી ફોન આવ્યો હતો કે તેના વીઝાની એપ્લીકેશન રીજેક્ટ કરવામાં આવી છે. દિનેશ પટેલે માત્ર મૌલિક પટેલ સાથે જ નહી પણ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને છેતરપિંડી આચરીને કરોડો રૂપિયા લીધા હોવાનું પણ બહાર આવ્યું છે. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વઘુ તપાસ શરૂ કરી છે.