અમદાવાદ : ભાજપમાં એક નેતાએ છોડ્યું પદ તો એક થયા સસ્પેન્ડ, જાણો કેમ થઈ આવી સ્થિતિ
રાજકીય વતૃળોમાં પક્ષ પલટો અને એકબીજાના પક્ષમાંથી ઉમેદવારોને જોડતોડની રાજનીતિ ચૂંટણી સમયે ચાલતી આવી રહી છે. ત્યારે પોતાના શિસ્ત માટે જાણીતા એવા ભાજપે પોતાના અમદાવાદ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
હાલમાં જ કિશનસિંહ સોલંકીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ પંજાબના મુખ્યમંત્રી અને આપ નેતા ભગવત માન સાથે જોવા મળી રહ્યા છે. જેના કારણે ભાજપના શીર્ષ નેતાગણ દ્વારા તાત્કાલિક ધોરણે કિશનસિંહ સોલંકીને પાર્ટીના તમામ પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સ્વચ્છ સર્વેક્ષણ – 2022 : રાજકોટ દેશમાં સાતમા અને રાજ્યમાં બીજા નંબરે
અગાઉ કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કિશનસિંહને સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહ સોલંકી અમદાવાદ જિલ્લાના પૂર્વ મિડિયા કન્વીનર અને પ્રદેશ ભાજપની ડીબેટ ટીમના સભ્ય રહી ચૂક્યા છે. આ અંગેની જાણ ભાજપ કાર્યાલય દ્વારા કરવામાં આવી છે.
ભાજપના કોર્પોરેટર સહિત પાર્ટીના મોટા માથાના અધિકારીઓ દ્વારા શહેરના વિકાસના કામમાં તેમજ અનેક મુદ્દે પાર્ટીનો સપોર્ટ ના મળતો હોવાના કારણે વસ્ત્રાલના ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના મહામંત્રી પ્રકાશ સોલંકી પણ રાજીનામુ આપી દીધુ છે. ત્યારે આ સહિત તેમના કાર્યકરોએ પણ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું હોવાની માહિતી મળી રહી છે. શહેરમાં વિકાસ માટે અનેક મુદ્દે રજુઆત કરવામાં આવી હોવા છત્તા અધિકારીઓ દ્વારા કોઈ કાર્ય અંગે સહમતી આપવામાં નહિ આવતા વિવાદ વકર્યો હતો. તેમજ પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદરના વિખવાદ પણ ચાલી રહ્યો છે ત્યારે આ વિખવાદે મોટું સ્વરુપ ધારણ કરતા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના મહામંત્રીએ રાજીનામુ આપી દેતા અમદાવાદ વસ્ત્રાલ ગામનું રાજકારણ ગરમાયું છે.