અમદાવાદ: પતિની શરમજનક કરતૂત, છૂટાછેડા માગ્યા તો પત્નીના એવા ફોટો વાયરલ કરી દીધા કે ક્યાંય મોં બતાવવા જેવી ન રહી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/husband-wife.jpg)
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2025: અમદાવાદના મેમનગરની 21 વર્ષિય મહિલાએ પોતાના પતિ પર તેના પ્રાઈવેટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક કરી બ્લેકમેલ અને ઓનલાઈન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા આ ધમકીઓથી કંટાળીને શુક્રવારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોંચી હતી, જે બાદ આરોપી પતિ વિરુદ્ધ માનહાનિ અને ગુનાહિત ધમકીની ફરિયાદ નોંધવામાં આવી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તે શરુઆતમાં પતિ સાથે જોઈન્ટ ફેમિલીમાં વડોદરાના એક ગામમાં રહેતી હતી. જો કે કથિત દુર્વ્યવહારના કારણે તે અમદાવાદ પાછી પિયરમાં આવી ગઈ અને દુકાનમાં કામ કરવા લાગી. તેણે દાવો કર્યો છે કે, તેને સીરિયસ સ્કિન એલર્જીના કારણે પીઠ અને છાતીમાં દુખાવા બાદ સાસરિયાનું ઘર છોડવું પડ્યું હતું.
મહિલાનો આરોપ છે કે, લગ્ન દરમ્યાન તેનો પતિ તેનું ઈન્સ્ટાગ્રામ ચલાવતો હતો. અને કથિત રીતે તે પિયરમાં આવી ગઈ છતાં તેનો પતિ તેનું ઈન્સ્ટાગ્રામ ચલાવતો રહ્યો. જ્યારે તેઓ વીડિયો કોલ કરતા ત્યારે તેણે ઘણી વાર પોતાના શરીરનો ઉપરનો ભાગ બતાવ્યો, જેથી તેને વિશ્વાસ થાય કે તેની એલર્જી ઠીક થઈ ગઈ છે. હવે તેને શંકા છે કે તેની સહમતિ વિના કોલ રેકોર્ડ કર્યો હતો.
બાદમાં જ્યારે મહિલાએ પોતાના સાસરિયે જવાની ના પાડી દીધી અને છૂટાછેડાની માગ કરી તો કથિત રીતે પતિએ તેને બ્લેકમેલ કરવાનું શરુ કરી દીધું. જાન્યુઆરીના પહેલા અઠવાડીયામાં તેણે કથિત રીતે તેને બદનામ કરવા માટે વોટ્સએપ સ્ટેટસ અને ઈન્સ્ટાગ્રામ પર તેની પ્રાઈવેટ તસવીરો અપલોડ કરી દીધી.
સતત ધમકીઓ અને સોશિયલ મીડિયા પર અપમાનથી કંટાળેલી મહિલા આખરે પોલીસ સ્ટેશને પહોંચી. ઘાટલોડિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ધમકી અને માનહાનિની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.