ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પંચાયત સેવાના વર્ગ-3ના આરોગ્યના મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કરના કર્મચારીઓ માટેની ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં હેલ્થ વર્કરો ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરશે તથા આંદોલન છેડશે.
આ પણ વાંચો: જાણો, મોરબી બ્રીજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલમાં કેવી સુવિધા મેળવે છે
પંચાયત સેવાના વર્ગમાં ઉચ્ચતર પગાર આપવા રજૂઆત કરાઇ
કામગીરી પ્રમાણે તાલીમ આપીને પરીક્ષા લેવા માગ કરવામાં આવી છે. તેમજ પંચાયત સેવાના વર્ગમાં ઉચ્ચતર પગાર આપવા રજૂઆત કરાઇ છે. જેમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકારમાં રજૂઆતો પછી પણ કોઈ નિર્ણય ન લેવાતાં કર્મચારી મહાસંઘે આ એલાન આપ્યું છે. આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, આરોગ્ય મંત્રી અને નાણાં મંત્રીને પણ પત્ર પાઠવ્યો છે, જેમાં કોર્ટના દરવાજા ખટખટાવવાથી માંડીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કોર્ટના દરવાજા ખટખટાવવાની અને આંદોલન કરવા અલ્ટીમેટમ અપાયું
મહાસંઘે રાજ્ય સરકારને વિસ્તૃત પત્ર લખીને રજૂઆત કરી છે કે, તાલીમ વગર પરીક્ષા લઈ શકાય નહિ એટલે કામગીરી અને વર્ક ઓર્ડર પ્રમાણે તાલીમ આપીને પરીક્ષા લેવી જોઈએ, મહિલા હેલ્થ વર્કરને પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ મળવાપાત્ર જ છે. હેલ્થ વર્કરો માટે ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન લાગુ કરવાની પણ સરકાર સમક્ષ માગણી કરાઈ છે, આ સંદર્ભે સરકાર સમક્ષ અવાર-નવાર રજૂઆતો પછીયે કોઈ અમલવારી કરાઈ નથી. રાજ્યના 33 જિલ્લાના કર્મચારીઓ ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરશે, એટલું જ નહિ પરંતુ હેલ્થ વર્કરોની માગણી અને ન્યાય મુદ્દે જરૂર પડયે કોર્ટના દરવાજા ખટખટાવવાની અને આંદોલન કરવા અલ્ટીમેટમ અપાયું છે.