- હાટકેશ્વર બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર હોવાનું ખૂલ્યું હતું
- બ્રિજના ફરીથી સેમ્પલ લઈ તપાસ માટે વડોદરા મોકલાશે
- એફએસએલ- રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની મદદ લેવાશે
હાટકેશ્વર બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર હોવાનું ખૂલ્યું હતું. એ પછી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે પોલીસ તપાસમાં ફરી એક વાર હાટકેશ્વર બ્રિજના સેમ્પલ લેવામાં આવશે, પોલીસ એફએસએલને સાથે રાખીને નવેસરથી વિવિધ ટેસ્ટ કરશે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના નિષ્ણાત અધિકારી પણ તેમાં સામેલ કરાશે. જેને લઈ પોલીસે અધિકારી નીમવા કાર્યવાહી કરવાની પ્રક્રિયા આદરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાથી ગુજરાતના 200 માછીમારો વતન આવશે
કોંક્રિટ, રો- મટિરિયલ્સ, રેતી, કપચી, પાણીના સેમ્પલ લેવામાં આવશે
હાટકેશ્વર બ્રિજના સ્લેબ, કોંક્રિટ, રો- મટિરિયલ્સ, રેતી, કપચી, પાણીના સેમ્પલ લેવામાં આવશે. આ રિપોર્ટ માટે સેમ્પલ વડોદરાની ગેરી સંસ્થામાં મોકલવામાં આવશે. સળિયામાં કાર્બન અને આયર્નની ક્ષમતા કેવી છે તેની પણ તપાસ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, અગાઉ હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારનો વિવાદ ચગ્યો હતો ત્યારે એ ક્યુબ, એસીટી અને સીમિક સંસ્થાએ સેમ્પલ લીધા હતા. જેમાં બ્રિજની કામગીરીમાં બેદરકારી હોવાનું ખૂલ્યું હતું. એ પછી આઈઆઈટી રૂરકીના રિપોર્ટમાં પણ બેદરકારી હોવાનું ખૂલ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા
પોલીસે સેમ્પલને લઈને રોડ અને બિલ્ડિંગના એક્સપર્ટની માંગ કરી
હાટકેશ્વર બ્રિજનું નબળી ગુણવત્તાનું બાંધકામ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડી કરવા બદલ ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. ત્યારે બે દિવસ પહેલાં જ ખોખરા પોલીસ અને ગાંધીનગર એફએસએલની ટીમ દ્વારા હાટકેશ્વર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એફએસએલના અધિકારીઓ અને પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી અને સમગ્ર બ્રિજનું ઉપર અને નીચે બંને જગ્યાએ નિરીક્ષણ કરી પંચનામું કર્યું હતું. હવે આ બ્રિજને લઈને એફએસએલના એક્સપર્ટના માર્ગદર્શનમાં વિવિધ પ્રકારે 12 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે પોલીસે સેમ્પલને લઈને રોડ અને બિલ્ડિંગના એક્સપર્ટની માંગ કરી છે.
આ બ્રિજનો લોડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો
જ્યારે આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે ત્રણ સંસ્થાઓએ તેના સેમ્પલો લીધા હતાં. એમાં સીમીક, એસીટીઈક્યૂબ, IIT રૂરકીએ સેમ્પલ લીધા હતાં. ત્યાર બાદ IIT રૂરકીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી હતી કે, બ્રિજ બનાવવામાં વપરાઈ રહેલ સામગ્રી હલકી ગુણવત્તાની છે. તે છતાંય કોર્પોરેશનના અધિકારીઓએ બેદરકારી રાખીને બ્રિજ બનવા દીધો હતો અને લોકોની જાનને જોખમમાં નાંખવાનું કામ કર્યું હતું. આ બ્રિજ હવે તોડવાનો વારો આવ્યો છે.
સેમ્પલો લઈ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ખોખરા પોલીસ, AMC અને એફએસએલની ટીમ દ્વારા હાટકેશ્વર બ્રિજની લગભગ ચાર કલાક જેટલું બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ સાથે રાખી અને એફએસએલની ટીમના અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે માહિતી મેળવવામાં આવી હતી. બ્રિજ પર અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેમ્પલો લઈને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.