અમદાવાદ: વિદેશ જવા ગુજરાતીઓ વારંવાર છેતરાયા; મહાઠગ તેજસ શાહ બાદ હવે DYD હોલીડેઝે પટેલ પરિવારને છેતર્યા; પોલીસમાં તપાસમાં અનેક શંકાઓ

23 માર્ચ 2025 અમદાવાદ: શહેરમાં વધુ એક ટુર ઓપરેટર કંપની ઉપર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગોવા ગયેલા પરિવારના 21 સભ્યોનું ચારને બદલે એક દિવસનું બુકિંગ કરી પૈસા છેતરી લઈ પરત ન આપી હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ પહેલા પણ મહાઠગ તેજસ શાહ વિરુદ્ધ 2018 થી લઈને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. જેમાં ગ્રાહકોને દેશ વિદેશ જવાથી લઈને પરત ફરવાની ફ્લાઇટ ટિકિટ તેમજ ત્યાં રોકાવાની હોટલ ટિકિટ બધું જ બુક કરાવીને પેકેજ આપતો હતો અને નાગરિકોને ત્યાં પહોંચ્યા બાદ ખબર પડતી કે હોટલ ટિકિટ કે ફ્લાઇટ ટિકિટો ખોટી છે અને ખોટા દસ્તાવેજ ઊભા કરાયા છે. આ શેતાન ટ્રાવેલ એજન્ટ ખોટા વાઉચર અને ખોટી ટિકિટો બનાવે છે. ત્યારે ફરી એકવાર શહેરના નરોડા દહેગામના પટેલ પરિવાર સાથે છેતરપિંડી થતા પોલીસ કાર્યવાહી ઉપર શંકાઓ સેવાઈ રહી છે. કારણકે અનેક પોલીસ સ્ટેશનમાં મહાઠગ તેજસ શાહ વિરુદ્ધ ફરિયાદો છતાં હજુ પોલીસ પકડથી કેમ દૂર છે?
પેકેજ આપી ગોવા પહોંચાડી ટુર ઓપરેટરે છમકલા કર્યા
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન PI શિલ્પા ભાવા HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 21 માર્ચના રોજ નરોડા દહેગામ ખાતે જીઇબી સબ સ્ટેશન પાસે આવેલી વિમલ પાર્ક સોસાયટીમાં રહેતા નિરવભાઈ પટેલ દ્વારા ગઈ દિવાળીમાં ગોવા ફરવા જવા માટે ઓનલાઇન સર્ચ કરતા શહેરના નવરંગપુરા વિસ્તારના ગુલબાઈ ટેકરા પાસે આવેલી શિવાલિક બિલ્ડિંગમાં ડ્રીમ યોર બુક ડેસ્ટિનેશન હોલીડેઝની જાહેરાત મળી હતી. જે બાદ ફોન દ્વારા સંપર્ક કરતા તેમની ઓફિસે મળવા ગયા હતા ત્યાં તેઓ જયમીન ભુવા અને દર્શના ભુવાને મળ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદથી ગોવા ફ્લાઇટમાં જવાનું અને આવવાનું તેમજ 4 રાત અને 5 દિવસનું રહેવા જમવાનું 12 વર્ષથી મોટી વ્યક્તિના રૂપિયા 23 હજાર અને 12 વર્ષથી નાના બાળકના રૂપિયા 18 હજારનું પેકેજ આપ્યું હતું. જેથી નિરવભાઈએ તેમના પરિવારના 21 સભ્યોનું બુકિંગ ₹4.59 લાખમાં કરાવ્યુ હતું.
70 હજાર પરત કરી 1.91 લાખની છેતરપિંડી
PI ભાવાએ વધુમાં જણાવ્યું હતું કે નક્કી થયેલી ટુર પ્રમાણે નિરવભાઈ પટેલ તેમના પરિવાર સાથે 31 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદથી ફ્લાઇટમાં ગોવા પહોંચી ગયા હતા. જે બાદ રિસોર્ટમાં રહ્યા હતા જ્યારે બીજા દિવસે રિસોર્ટનું બુકિંગ ન હોવાથી હોટલ મેનેજરે તેમને રૂમ ખાલી કરવા કહ્યું હતું. જેથી દર્શનાબેન ભુવાનો સંપર્ક કરતા તેમણે હોટેલ મેનેજરને જેમ તેમ કરી પૈસા આપી સમજાવ્યા હતા. પરંતુ તે પછીના વધુના 2 દિવસ તેમને બીજી હોટલમાં પૈસા આપીને રોકાવું પડ્યું હતું અને આ બાબતની જાણ ટુર ઓપરેટરને દર્શના ભુવાને કરતાં તેમણે નિરવભાઈને જણાવ્યું હતું કે હાલ તમે બિલ ચૂકવી દો અહીં પાછા આવો તો બાકીના પૈસા તમને પરત આપી દઈશું. પરંતુ ટુર ઓપરેટર દ્વારા નિરવભાઈના નીકળતા પૈસા 2.61 લાખની જગ્યાએ માત્ર 70 હજાર પરત કરી 1.91 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હાલ ડીવાયડી હોલીડેઝ કંપની તેમજ તેના ઓપરેટર ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમને પકડવા માટે તપાસ શરૂ કરાઇ છે. પોલીસને શંકા છે કે આ છેતરપિંડીમાં જયમીન ભુવા અને દર્શના ભુવા સાથે આગળ જતા તપાસમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા છે.
અનેક વર્ષો, અનેક ફરિયાદો છતાં આરોપી મજા કરી રહ્યો છે
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનો મહાઠગ ટુર ઓપરેટર તેજસ શાહ લોકોને વિદેશ મોકલવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી અવારનવાર આચરતો હોય તેવી CID ક્રાઈમ સહિત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 2018થી લઈને અત્યાર સુધી નોંધાઈ ચૂકી છે. 2018માં વૃદ્ધ દંપતીને વિદેશ મોકલવાના બહાને નકલી ફ્લાઇટની ટિકિટ હોટલમાં રહેવાની, જમવાના ડુબલીકેટ વાઉચર અને ટિકિટો ઊભી કરી પેકેજો આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ, અને 2024માં પણ શહેરની એક કંપનીના ડાયરેક્ટરને વિદેશ જવાથી લઈને અમદાવાદ પરત ફરવા સુધીનો તમામ પેકેજ 32.87 લાખ રૂપિયામાં આપી જેની સામે 11.71 લાખની સર્વિસ આપી બાકીના 21.16 લાખ પચાવી પાડ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ રીતે માત્ર બે નહીં પરંતુ એની કરતાં પણ વધુ ફરિયાદો આ શેતાન ટ્રાવેલ એજન્ટ તેજસ શાહ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે ત્યારે આ મામલે સીઆઈડી ક્રાઇમમાં તપાસ કરી રહેલા પી.આઇ બટોલ હજુ સુધી આ મહાઠગ આરોપીને પકડી શક્યા નથી ત્યારે PI બટોલની તપાસમાં શંકા સેવાતા CID ક્રાઈમના ઉપરી અધિકારીઓ દ્વારા PI બટોલ વિરુદ્ધ પણ તપાસના આદેશ અપાયા હોવાની માહિતી તેમજ આ કેસ સિવાય બીજા અન્ય કેસોના તપાસમાં પણ છીંડા દાખવતા PI બટોલના વિરુદ્ધમાં ઉપરી તપાસ ચાલી રહી હોય તેવું સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે.
જૂનમાં અરજી કરવામાં આવી હોવા છતાં તેજસ અને તેની ટોળકીની હજુ સુધી ધરપકડ કેમ થતી નથી?
તેજસ શાહ અને તેની ટોળકી વિરુદ્ધ ફરિયાદીએ છેક જૂન મહિનામાં 27 જૂન, 2024ના રોજ અરજી આપી હોવા છતાં પ્રશ્ન એ છે કે હજુ સુધી આ ઠગ ટોળકીની વિરુદ્ધ ફરિયાદ દાખલ શા માટે નહોતી થઈ? કોને તપાસ આગળ નહીં વધારવામાં અને ફરિયાદ દાખલ નહીં થવા દેવામાં રસ હતો? આ અંગે જાણવા મળે છે કે, સૌ પહેલાં તપાસ સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ કે.ડી. કેવડિયાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ એકાએક તપાસ પીઆઈ રાઠોડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેવટે છેક ચાર મહિને તેના વિરુદ્ધ કેસ દાખલ થયો છે.
નિવૃત્ત PSI ચૌહાણ કોણ છે અને કેમ આ ચીટરોને છાવરે છે?
આ કેસમાં મળતી વધુ વિગતો અનુસાર સમગ્ર કેસને દબાવી દેવા માટે અને ઠગ ટોળકીને બચાવવા માટે કોઈ નિવૃત્ત પીએસઆઈ ચૌહાણ ધમપછાડા કરી રહ્યા છે. તેઓ તેમની વગથી આ કેસમાં પોલીસ ખાતાની તપાસ આગળ ન વધે એવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ નિવૃત્ત પીએસઆઈ ચૌહાણ ખરેખર કોણ છે અને તેમને છેતરપિંડીના આ કેસમાં શું રસ છે? કહેવાય છે કે, આ નિવૃત્ત પીએસઆઈ આઈપીએસ અધિકારીઓનાં નામો આપીને રોફ જમાવવા અને ડરાવવા પ્રયાસ કરે છે.
મહાઠગ તેજસ શાહ અને તેની ટોળકીને કોનું સંરક્ષણ ?
અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં અમદાવાદ CID ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શેતાન ટ્રાવેલ એજન્ટ તેજસ નિલેશભાઈ શાહની સાથે અન્ય આરોપીઓ યોગેશ રમેશભાઈ શર્મા, લિમિગો પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિ ખાલિદ અલી તથા માલિકો અને સંચાલકો, બ્લીચ ટુરીઝમ પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને સંચાલકો, અને જેનીથ લેઝયૂર હોલીડેઝના માલિકો અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ તથા યોગ્ય તપાસ કરાઈ નથી જેના કારણે હવે પોલીસ તપાસમાં મિલી ભગત તથા ઢીલી નીતિ રાખી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.