અમદાવાદ: કોરોના ગાઈડલાઈન્સ સાથે કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ, માસ્ક સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા
જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે કાંકરિયા કાર્નિવલની આજે મુખ્યમંત્રીન વરદહસ્તે શરૂઆત થઈ છે. જેમાં પહેલાં જ દિવસે રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ભવ્ય કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે 25મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ છે. વર્ષ 2014થી સુશાસન દિવસની ઉજવણી થાય છે. અમદાવાદના આંગણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2022 અને પંચમહાલ જિલ્લા આયોજિત પંચમહોત્સવ 2022નો આજે પ્રારંભ થયો છે. 2008થી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. કાર્નિવલ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.
કાંકરિયા કાર્નિવલની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવાગઢના ચાંપાનેર ખાતે યોજાનારા પંચમહોત્સવ 2022નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાજય અને પંચમહાલ જિલ્લાની કલા અને સંસ્કૃતિ દર્શાવતો આ મહોત્સવ 31મી ડિસેમ્બર સુધી પાવાગઢ ચાંપાનેર ખાતે ચાલશે.
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો ભય છે ત્યારે અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યાં છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. પ્રવેશ મેળવનારા લોકોને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યાં છે. કાંકરિયા કાર્નિવલમાં 100 જેટલા વોલેન્ટીયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ : 3 વર્ષ પછી યોજાશે કાંકરિયા કાર્નિવલ, શું હશે મુખ્ય આકર્ષણ ?
“આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર કાર્નિવલ
25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે. 31 ડિસેમ્બરે એટલે કે છેલ્લા દિવસે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ પર 15 રાજ્યોના કલાકારો પરફોર્મન્સ કરશે. આ વખતે 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાઈ રહ્યો છે. આ ઉપરાંત કાર્નિવલમાં સ્પોન્સરશિપ પણ આપવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ, બાલવાટિકા અને વ્યાયામ વિદ્યાલય ગેટ પર ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં મ્યુનિસિપલ સ્કૂલોનાં અને ખાનગી સ્કૂલોનાં બાળકો દ્વારા તેમજ વિવિધ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. વિવિધ પ્રોફેશનલ ગ્રુપો અને ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિઓ દ્વારા પણ આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
કયા દિવસે કયા કલાકાર આવશે
- 26-12 ભૌમિક શાહ (બોલિવુડ સિંગર)
- 27-12 જીગ્નેશ બારોટ અને કાજલ મહેરિયા (લોકગાયક )
- 28-12 સાંઈરામ દવે (ગુજરાતી કલાકાર)
- 29-12 વિજય સુંવાળા (લોકગાયક)
- 30-12 આદિત્ય ગઢવી (સિંગર)
કાર્નિવલમાં ખાસ શું હશે તેના પર નજર કરીએ
- બાળકોને સાહસિક બનાવતી પ્રવૃતિઓ
- ફિટનેસને ધ્યાનમાં રાખતા વિવિધ કાર્યક્રમો
- ડાન્સ કોમ્પિટિશન
- સમૂહ તબલા વાદન
- મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ શૉ
- ગુજરાત પોલીસ દ્વારા ડોગ શૉ એન્ડ હોર્સ શૉ