અમદાવાદ: ટ્રાવેલ્સમાં દુધ અને મિઠાઇની આડમાં વિદેશી દારૂની હેરફેર
- દુધની મિઠાઇના પાર્સલમાં દારૂ લાવ્યો હતો
- ૭૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
- આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સમાં દુધ અને મિઠાઇની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપાઇ છે. રાજસ્થાનથી આવતી ખાનગી લક્ઝરી બસમાં દુધ અને દુધની મિઠાઇના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
૭૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
ડીસીપી ઝોન-૨ના સ્ટાફ દ્વારા પર્દાફાશ કરીને ૭૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂનો જથ્થો લઇને આવી રહેલા વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરી છે. ડીસીપી ઝોન-૨ ભરત રાઠોડના લોકલ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ કે.ડી પટેલ અને તેમના સ્ટાફ સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના હદમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ચોક્કસ માહિતી મળી હતી કે ચોક્કસ ટ્રાવેલ્સની બસમાં એક મુસાફર દારૂનો જથ્થો લઇને આવી રહ્યો છે.
આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
બાતમીના આધારે સાબરમતી પાવર હાઉસ પાસે બસને રોકીને રાજુ બિશ્નોઇ નામના મુસાફરનો સામાન તપાસતા દુધની મિઠાઇના પાર્સલ હોવાનું તેણે જણાવ્યું હતુ અને મિઠાઇ લગ્ન પ્રસંગ માટે હોવાથી ઓર્ડર મિઠાઇ હોવાનું પણ કહ્યું હતું. જો કે પોલીસ પાસે ચોક્કસ માહિતી હોવાથી પોલીસે પાર્સલની ચકાસણી કરી ત્યારે તેમાંથી મિઠાઇની આડમાં છુપાવેલી વિદેશી દારૂની ૭૬૮ જેટલી બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.