અમદાવાદ: હાઇકોર્ટના બોગસ હુકમના પગલે પોલીસને ખખડાવતા માત્ર 2 કલાકમાં FIR થઇ
- સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતાં પોતાની રિટ અરજી પાછી ખેંચી
- હાઇકોર્ટનો બોગસ હુકમ રેવન્યુ ઓથોરીટીમાં રજૂ કર્યો
- ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસનો બહુ યુનિક ઓર્ડર બનાવ્યો હતો
અમદાવાદમાં હાઇકોર્ટના બોગસ હુકમના પગલે પોલીસને ખખડાવતા માત્ર 2 કલાકમાં FIR થઇ છે. જેમાં બનાવટી હુકમ મહેસૂલ સત્તાવાળાઓને રજૂ કરી ગેરલાભ લેવાનો મામલો સામે આવ્યો છે. તેમાં સોલા પોલીસે HCમાં FIR રજૂ કરતાં અરજદારે પોતાની અરજી પાછી ખેંચી છે. HCના જસ્ટિસની સહી સાથેનો ઓર્ડર કલેકટરને મોકલ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય
સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતાં પોતાની રિટ અરજી પાછી ખેંચી
છારોડી ખાતેની જમીનના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટનો બોગસ હુકમ બનાવી મહેસૂલ સત્તાવાળાઓમાં તે રજૂ કરી તેના આધારે ખોટો ગેરલાભ ઉઠાવવાના પ્રકરણમાં તાજેતરમાં હાઇકોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસને બોલાવી આ મામલે ઉધડો લઇ ખુલાસો માંગ્યો હતો. હાઇકોર્ટના આક્રમક મિજાજ અને તાત્કાલિક ફરિયાદ નોંધવા બાબતે લાલ આંખ કરાતા સોલા હાઇકોર્ટ પોલીસે બે જ કલાકમાં વિધિવત FIR દાખલ કરી તેની નકલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવી પડી હતી. જેને પગલે મૂળ ફરિયાદીએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતાં પોતાની રિટ અરજી પાછી ખેંચી હતી.
હાઇકોર્ટનો બોગસ હુકમ રેવન્યુ ઓથોરીટીમાં રજૂ કર્યો
હાઇકોર્ટના બોગસ હુકમ પ્રકરણના કેસમાં મૂળ ફરિયાદી તરફ્થી હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરી અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, છારોડી ખાતેની તેમની જમીન વિવાદમાં મહેસૂલ સત્તાવાળાઓ સમક્ષ છેલ્લા ઘણા સમયથી લીટીગેશન્સ ચાલી રહ્યા હતા. હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર-1414/2018 પેન્ડીંગ હતી. આ મેટરમાં કોઇ હુકમ થયો ન હતો પરંતુ તેમ છતાં આરોપીઓ દ્વારા આ મેટરમાં ઓર્ડર આવી ગયો છે અને મેટર ડિસમીસ થઇ ગઇ છે તે અંગેનો હાઇકોર્ટનો બોગસ હુકમ રેવન્યુ ઓથોરીટીમાં રજૂ કરી તેના આધારે વેચાણ દસ્તાવેજ કરી નાંખ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસનો બહુ યુનિક ઓર્ડર બનાવ્યો હતો
અરજદારપક્ષ તરફથી ખુલાસો કરાયો હતો કે, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસનો બહુ યુનિક ઓર્ડર બનાવ્યો હતો કે જેમાં કોપી ટુ કરીને કલેકટર, અમદાવાદ, એડવોકેટ વિજયકુમાર ત્રિવેદી, મહેશકુમાર પરમાર(સનોડા, દહેગામ, ગાંધીનગર) અને સીટી ડે. કલેકટર, ઘાટલોડિયાના નામોનો ઉલ્લેખ કરાયો હતો. હાઇકોર્ટના હુકમમાં કયારેય આવું કોપી ટુ લખેલુ હોતું જ નથી. આરોપીઓના આ બોગસ હુકમમાં હાઇકોર્ટના સીટીંગ જસ્ટીસની સહી પણ કરી દેવાઇ હતી.