અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં માન્ય ડીગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા 10 બોગસ ડૉક્ટરોને પકડી પાડીને તેમના ક્લિનિક સીલ કરાયા છે. લાંભા વિસ્તારમાં રંગોલીનગર, હાઈફાઈ ચાર રસ્તા, લક્ષ્મીનગર જેવા વિસ્તારમાં બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની ફરિયાદોના આધારે ચેકિંગ કરવામાં આવતા એક જ દિવસમાં 10 જેટલા ડોક્ટરો શોધી કાઢીને તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરીને પોલીસને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદીએ આપ્યો “I” નો મંત્ર, જાણો કોને થશે ફાયદો
સ્વાસ્થ્ય સાથે રમતા નકલી ડોક્ટરો
અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં નકલી ડિગ્રી ધરાવતાં ક્લિનિક ચલાવતા તબીબો સામે મ્યુનિસિપલ હેલ્થ વિભાગે દરોડા પાડ્યા હતા. તેમના સ્વાસ્થ્ય સાથે રમતા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ આ તમામ ક્લિનિક સીલ કરી દેવામાં આવી છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં
દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના છેવાડે આવેલો લાંભા વિસ્તાર 50 કિ.મી ના વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતિય અને ગરીબ વર્ગના લોકો રહે છે. કેટલાક બોગસ ડોક્ટરો બની અને ક્લિનિક ખોલી આ વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. મ્યુનિ. દ્વારા ચેકિંગ કરાતાં તેમની પાસે તબીબી પ્રેક્ટિસ માટે માન્ય ડિગ્રી મળી આવી ન હતી. મ્યુનિ. દ્વારા આગામી દિવસોમાં લાંભા વિસ્તારમાં કેટલાક બોગસ ડોક્ટરો શોધી કાઢવા
ચેકિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: મોંઘવારીથી પીડાતી જનતા માટે રાહતના સમાચાર
10 ડોક્ટર નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા
આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં 10થી વધુ તબીબો નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ટીમોએ આ ડોક્ટરોના ક્લિનિક્સને સીલ કરી દીધી છે. આ દરમિયાન લોકોમાં એવી ચર્ચા હતી કે સરકાર સામાન્ય માણસને સરળતાથી સજા કરે છે. પરંતુ આવા નકલી ડોકટરો સામે પહેલાથી જ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી.