અમદાવાદઃ 1,02,240/- ની કિંમતનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો; પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી
21 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના પ્રેમ દરવાજા પાસે આવેલા ગોડાઉનમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ચાર આરોપીઓના નામ અને સરનામા પોલીસની તપાસ મુજબ હાલ મળી આવ્યા છે. જે અંગે ગુનો નોંધીને ચારે આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
426 ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરાઈ
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર PCB બાતમી મળી હતી કે પ્રેમ દરવાજા બહાર ગુજરાત જીનિંગ મીલ ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ગોડાઉનમાં ખાનગી માણસો દ્વારા ઇંગ્લિશ દારૂનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે. જ્યાં ચોકઠું ગોઠવીને ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મિલીની 426 બોટલો નંગ બોટલો ઝડપી પાડવામાં આવી હતી. જેની બજાર કિંમત 1 લાખ, 2 હજાર, 240 મનાઈ રહી છે.
દિલ્હીથી ગાંધીધામ પહોંચતા પહેલા માલ ઝડપાયો
PCBની પ્રાથમિક તપાસ મુજબ આ દારૂનો જથ્થો દિલ્હીથી આદિપુર ગાંધીધામ ખાતે ડિલિવરી કરાતું હોવાનું સામે આવી રહ્યું છે. મુરલીધર ડ્રિપ એન્ડ એગ્રો સેન્ટર, ઓમકાર કોમ્પ્લેક્સ, આદિપુર ગાંધીધામ ખાતે આ માલ પહોંચવાનો હતો. આ જથ્થો અમદાવાદ ખાતે ઉતાર્યા બાદ ગાંધીધામ પહોંચવાનો હતો. પરંતુ એ પહેલા જ પોલીસે ત્યાં રેડ કરીને માલ ઝડપી પાડ્યો છે. તેમજ દિલ્હીથી મોકલનાર વ્યક્તિ અને ગાંધીધામમાં મેળવનાર વ્યક્તિ અને અમદાવાદ ખાતે માલ લેવા આવનાર વ્યક્તિના ફોન નંબર અને એડ્રેસ મેળવીને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ માટે માધુપુરા પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યું છે.