અમદાવાદ: 7 પૈકી 3 રૂટ ઉપર દોડતી ડબલ ડેકર બસ બંધ
- ડબલ ડેકર બસ બંધ કરવા પાછળ પેસેન્જર મળતા નથી: AMTS
- એક વર્ષ અગાઉ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી
- આવક ઘટી છે એ પ્રકારના બહાનાં આગળ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એક વર્ષ પહેલાં ડબલડેકર બસ શરૂ કરવામાં આવી હતી. સાત પૈકી ત્રણ રૂટ ઉપર દોડતી ડબલ ડેકર બસ સત્તાધીશોએ બંધ કરી દીધી છે. ડબલ ડેકર બસ બંધ કરવા પાછળ પેસેન્જર મળતા નથી. આવક ઘટી છે એ પ્રકારના બહાનાં આગળ કરાયા છે.
એક વર્ષ અગાઉ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી
દર વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એક વર્ષ અગાઉ જ્યારે ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી. એ સમયે સત્તાધીશોએ પેસેન્જરોને વધુ સારી સગવડ આપવા એ.સી.ડબલ ડેકર બસ શરૂ કરાઈ હોવાનો જશ ખાટયો હતો. અણઘડ આયોજનથી શરૂ કરવામાં આવેલા ડબલ ડેકર બસ માટેના વિવિધ રૂટ પૈકી લાલદરવાજાથી વસ્ત્રાલ, ઈસનપુરથી રાણીપ તથા ધુમા ગામથી લાલદરવાજા એમ ત્રણ રૂટ ઉપર દોડાવવામાં આવતી ડબલ ડેકર બસ બંધ કરી દેવામાં આવતા મુસાફરોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.
રૂટ નંબર-130 ઉપર જ ડબલ ડેકર બસ દોડાવાઈ રહી છે
હાલમાં લાલદરવાજાથી શીલજ, રૂટ નંબર-51, વાસણાથી ચાંદખેડા,રૂટ નંબર-401 તથા સારંગપુરથી સિંગરવા ગામ ,રૂટ નંબર-150 અને નરોડાથી લાંભા ક્રોસ રોડ, રૂટ નંબર-130 ઉપર જ ડબલ ડેકર બસ દોડાવાઈ રહી છે.