तेरा मुझसे है पहले का नाता कोई ! નિસ્વાર્થ પ્રેમની અનોખી કહાની


આજના સમયમાં લોકોને એકબીજા પ્રત્યે લાગણી નથી. ત્યાં બીજાની તો શું વાત કરવી. પરંતુ, કહેવાય છે ને કે, કેટલાક સંબંધ એવા હોય છે, જેમાં શબ્દો કરતા લાગણી વધુ હોય છે. જ્યાં શબ્દો નહીં પણ સંબંધ બોલતો હોય છે. જ્યાં સ્વાર્થ નહીં પણ પ્રેમનો સંબંધ હોય છે. જ્યાં કંઈક આપવાને બદલે કંઈક મેળવવાનો વિચાર સુધ્ધા હોતો નથી. કંઈક એવો જ સંબંધ હતો અમદાવાદના એક ડૉક્ટર અને એક અબોલ પ્રાણી વચ્ચે.
તસવીરમાં દેખાતો આ બિલાડાનું નામ છે ‘જીમી’. આ અબોલમાં જીવમાં છે ડૉક્ટર ચિન્મય પટેલનો જીવ. જી હાં, અમદાવાદના કાંકરીયાના ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે રહેતા અને વ્યવસાયે ગાયનેક ડૉક્ટર ચિન્મય પટેલને બિલાડીઓ પ્રત્યે અપાર પ્રેમ અને લાગણી છે. તેમણે ઘરમાં પણ દેશી બિલાડીઓ પાળેલી છે. પણ અહીં વાત છે જીમી નામના પાળેલા બિલાડાની. આ જીમી દોઢ વર્ષ પહેલાં તેમના ઘરે ક્યાંકથી આવ્યો હતો. ડૉક્ટર તેને ખાવા-પીવા સહિતનું આપવા લાગ્યા અને ત્યારથી જીમી તેમના ઘરે રહેતો હતો. જીમી પ્રત્યે ડૉક્ટર ચિન્મય પટેલને ખૂબ જ લાગણી છે. આજથી બે મહિના કરતા વધુ સમય પહેલાં જીમી ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. બસ એ પછીથી સૌના દુઃખનો ઈલાજ કરી તેમના ચહેરા પર હાસ્ય લાવનાર ડૉક્ટર ચિન્મય પટેલના મનમાં એક એવી ઉદાસી રહે છે જેનું તે શબ્દોમાં વર્ણન કરી શકે તેમ નથી.
ડૉક્ટર દરરોજ રાત્રે શોધે છે ‘જીમી’ને
જીમી જે દિવસે તે ઘરેથી ચાલ્યો ગયો ત્યારથી ડૉક્ટર ચિન્મય પટેલ તેને શોધી રહ્યા છે. આખો દિવસ પોતાના દવાખાનામા વ્યસ્ત હોવા છતા પણ ડૉક્ટર રોજ રાત્રે 12થી 4 વાગ્યા સુધી તેને શોધવા નીકળી પડે છે. જીમીને શોધવા માટે તેમણે આસપાસના તમામ વિસ્તારો ખૂંદી નાખ્યા છે. પોતાનો મોબાઈલ નંબર, જીમીનો ફોટો અને માહિતી સાથેના પોસ્ટરો પણ ડૉક્ટરે ઠેર ઠેર ચોંટાડ્યા છે. સાથે જ જીમીને શોધી આપનારા માટે ડૉક્ટરે ઈનામ પણ રાખ્યું છે. ડૉક્ટર ચિન્મય પટેલ કહે છે કે, હજુ પણ તે જીમીને શોધતા રહેશે. તેમને આશા છે કે, જીમી એક દિવસ ચોક્કસ મળશે. અને અમે પણ એવી જ પ્રાર્થના કરીએ છીએ કે ડૉક્ટર ચિન્મયને જલ્દી તેમનો જીમી મળી જાય.