અમદાવાદ: કિડની ડાયાલિસિસ પ્રોગ્રામનાં 265 સેન્ટરો કાર્યરત છતાં 65 લાખ દર્દીઓ સામે 3955 દર્દીઓ જ નોંધાયા: કેગ અહેવાલ

25 માર્ચ 2025 અમદાવાદ; IKDRC દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં આપવામાં આવતી ડાયાલિસિસ સેવામાં માત્ર 3955 દર્દીઓ નોંધાયેલા છે જે સમગ્ર ગુજરાતના ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓની સંખ્યાના માત્ર 0.06% છે. સાથે ગુજરાત રાજ્યમાં IKDRCના અંદાજે 65.45 લાખ દર્દીઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડાઇ રહ્યા છે જેમાં 51,378 દર્દીઓ એન્ડ સ્ટેજ કીડની ફેલ્યરથી પીડાઇ રહ્યા હોવાની અને 265 ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાંથી 165 સેન્ટરમાં 12થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે. તેવો કેગ અહેવાલનો રિપોર્ટ સામે આવતા કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
51,378 દર્દીઓની સામે માત્ર 0.06% સારવાર હેઠળ
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જોડાનારા દર્દીઓમાં સરકારી યોજના માટે ઉદાસીનતા જોવા મળી છે. IKDRC હોસ્પિટલના કેગ અહેવાલમાં અવલોકન છે કે ૨૬૫ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાંથી ૧૬૫ સેન્ટરમાં ૧૨થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરમાં ૧૪૬ સેન્ટરોમાં ૧૦થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે જ્યારે ૧૮ સેન્ટરો જે નવેમ્બર ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩માં સ્થપાયા હતા તેમાં એક પણ દર્દી નોંધાયા નથી. ૧૧૨ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં સાતથી ઓછા દર્દીઓ નોંધાયેલા છે. ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં ૧૦ સેન્ટર એવા છે કે જેમાં માત્ર એક જ દર્દી નોંધાયેલા મળ્યા છે. ગુજરાત રાજ્યમાં IKDRCના અંદાજે ૬૫.૪૫ લાખ દર્દીઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડાય રહ્યા છે જેમાં ૫૧,૩૭૮ દર્દીઓ એન્ડ સ્ટેજ કીડની ફેલ્યરથી પીડાય રહ્યા છે. IKDRC દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં આપવામાં આવતી ડાયાલિસિસ સેવામાં માત્ર ૩૯૫૫ દર્દીઓ નોંધાયેલા છે જે સમગ્ર ગુજરાતના ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓની સંખ્યાના માત્ર ૦.૦૬% છે. ગુજરાત સરકાર કરોડોના ખર્ચે જાહેરાત કરે પણ પીડિત લોકો સુધી વ્યવસ્થા પહોંચાડવામાં નિષ્ફળ છે તે આ આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે.
લોકોને ખાનગી હૉસ્પિટલમાં જવું પડે તેવી મજબૂરી
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૦૨૨થી વર્ષ ૨૦૨૨- ૨૦૨૩ દરમિયાન ૨૬૫ પૈકી માત્ર ૪૬ સેન્ટરના ઇસ્પેક્શનમાં કીડનીના નિષ્ણાત ગયા હતા. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં નથી આવ્યા તેવું કેગના અહેવાલમાં અવલોકન છે. IKDRC દ્વારા સંચાલિત ડાયાલિસિસ સેન્ટરોમાં ૮૮૧ સ્ટાફની ભરતી કરવામાં આવી છે તે તમામ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવી છે, એક પણ કાયમી સ્ટાફની ભરતી થઈ નથી. ડોક્ટરો ઇન્સ્પેકશનમાં ના જાય અને કાયમી સ્ટાફ ના હોય ત્યાં સારી આરોગ્ય વ્યવસ્થાઓ ક્યાંથી હોય? કેગ અહેવાલનું અવલોકન દર્શાવે છે કે કીડનીના દર્દીઓને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં વિશ્વાસ નથી. કેગ અહેવાલમાં આરોગ્ય વિભાગની નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેમ છે. સરકાર ડાયાલિસ સેન્ટરોમાં કાયમી સ્ટાફ આપે અને દર્દીઓને વિશ્વાસ સંપાદિત કરવા માટે પૂરતી જાગૃતિ ફેલાવવા માટેની વ્યવસ્થા કરે તેવી કોંગ્રેસની માંગ છે. જાહેર આરોગ્ય વ્યવસ્થામાંથી ગુજરાતની જનતાને વિશ્વાસ ઊઠી રહ્યો છે અને સામાન્ય જનતાને ખાનગી આરોગ્ય વ્યવસ્થાને સહારે જવું પડે તેવી મજબૂરી છે.