અમદાવાદઃ DEO તથા પ્રતિષ્ઠિત શાળાઓનાં આચાર્યોએ શહેરની ‘હેરિટેજ વોક’ કરી; વિદ્યાર્થીઓને ‘ઐતિહાસિક વારસો’ ભણાવાશે
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/12/DEO.jpg)
21 ડિસેમ્બર 2024 અમદાવાદ; શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહીત ચૌધરી તથા કચેરીના ઈ. આઈ. નિલમબેન નિનામા, મેહુલભાઈ પટેલ તથા શહેર આચાર્ય સંઘના હોદ્દેદારો નિરવ ઠકડા, રાકેશ વ્યાસ, હાર્દિક પટેલ તથા શહેરની અગ્રગણ્ય શાળાઓના આચાર્યોએ તથા કોટવિસ્તારની શાળાઓના આચાર્યોએ સંયુકત રીતે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો ધરાવતા આ ઐતિહાસિક શહેરની ‘હેરિટેજ વોક’ કરી હતી જેનો મુખ્ય હેતુ અમદાવાદ શહેરની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને આપણા અમદાવાદના ઐતિહાસિક વારસાની માહિતીથી અવગત કરાવવાનો છે.
વોક કવિ દલપત ચોકમાં સભામાં ફેરવાઈ
શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ આ હેરીટેજ વોકમાં માર્ગદર્શન માટે જાણીતા ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી સાથે રહ્યા હતા. સીદી સઈદની મસ્જીદ, ભદ્રનો કિલ્લા, જુમ્મા મસ્જીદ, ચંદ્રવિલાસ હોટેલ, પ્રાચીન હવેલીઓ, પોળોનો ઈતિહાસ જાણી માણી આ વોક કવિ દલપત ચોકમાં સભામાં ફેરવાઈ હતી. જ્યાં કવિશ્રી દલપતરાય વિશે જાણ્યા પછી સ્વામીનારાયણ મંદિરમાં પ્રસાદ સાથે પૂર્ણ થઈ હતા. શિક્ષણ સાથે સંકળાયેલા વ્યકિતઓએ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા વિશે માહિતી મેળવી તેને માણ્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીએ આ ઐતિહાસિક વારસાને માણી પ્રસન્નતા વ્યકત કરી હતી. તેમજ શહેરના વિદ્યાર્થીઓમાં આ અંગે સમજ અને સભાનતા કેળવાય તેની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.