અમદાવાદઃ VS હોસ્પિટલનાં નવીનીકરણ માટે માંગ કરાઇ; વિપક્ષ નેતાએ કર્યાં આક્ષેપ કહ્યું; 782.13 કરોડનું બજેટ ફાળવાયું; દેવાંગ દાણીએ આપ્યો જવાબ
6 ડિસેમ્બર અમદાવાદ: અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ હાઉસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની મીટીંગ મળી હતી. જેમાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત તમામ સત્તાધીશો અને કોંગ્રેસ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ નેતા શેહઝાદ ખાન પઠાણ અમદાવાદના હાર્ટ સમાન એવી વીએસ હોસ્પિટલની નવીનીકરણની માંગણી કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર મિટિંગમાં તેમણે આ મુદ્દાની રજૂઆત કરી હતી. સાથે બેનર્સ લઈને કોર્પોરેશનના સત્તાધીશોની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કર્યો હતો. જે અંગે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનો જવાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપ્યો હતો
782.13 કરોડનું બજેટ મંજુર છતાં કામગીરી નહિ: કોંગ્રેસ
એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાને વાતચીત કરતા જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલમાં તા.૨૭-૧૨-૨૦૧૮થી સુપર સ્પેશ્યાલીટી સેવા બંધ કરી કુલ ૧૨૦૦ બેડની વી.એસ.હોસ્પિટલને માત્ર ૫૦૦ બેડની કરી અને વી.એસ.બોર્ડને માત્ર ૧૨૦ બેડની સત્તા આપવામાં આવી, હાલ વી.એસ. હોસ્પિટલ જર્જરીત થયેલ હોઈ મહદ્દાંશે બંધ હાલતમાં છે. સત્તાધારી ભાજપ દ્વારા સને ૨૦૨૧-૨૨થી સને ૨૦૨૪-૨૫ સુધીમાં વી.એસ. હોસ્પિટલ માટે કુલ રૂા.૭૮૨.૧૩ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ના રૂા.૨૬૧.૯૫ કરોડના મંજુર કરાયેલા બજેટમાં પણ રૂા.૫૫.૦૦ કરોડ વી.એસ. હોસ્પિટલના તથા ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે જોગવાઈ કરવામાં આવી હોવા છતાં સત્તાધારી ભાજપ દ્વારા વી.એસ.હોસ્પિટલનું નવીનીકરણ કરવાની કોઇ કામગીરી કરવામાં આવી નથી.
4,70,298 ચાલુ વર્ષમાં સારવાર મેળવી
કોંગ્રેસ નેતાએ ઉમેર્યું હતું કે ચાલુ વર્ષ દરમ્યાન વી.એસ. હોસ્પિટલમાં ૪,૬૧,૧૦૩ આઉટડોર તથા ૯૧૬૫ જેટલા ઇન્ડોર દદીઓ મળી કુલ ૪,૭૦,૨૯૮ દર્દીઓએ સારવાર મેળવી હતી જે બતાવી આપે છે કે, ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડીકલ સારવાર મળી શકે તે માટેની મુખ્ય પ્રાયોરીટી વી.એસ. હોસ્પિટલ છે. સાથે મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ બોર્ડ મેમ્બર્સને ગ્રીટીંગ કાર્ડ સાથે ગુલાબના ફૂલ આપી વીએસ હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે તાકીદે વીએસ હોસ્પિટલ શરૂ કરવાની સદબુદ્ધિ આપે તેવી શુભેચ્છા કોંગ્રેસ નેતાએ આપી હતી.
VS હોસ્પિટલમાં 1000 રોજની ઓપીડી; દેવાંગ દાણી
કોંગ્રેસ વિપક્ષ નેતાના આક્ષેપનો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે 1960માં શહેરમાં શારદાબેન હોસ્પિટલ નિર્માણ પામી હતી. જે આજે અશોક મિલના કમ્પાઉન્ડમાં છથી આઠ મહિનામાં નવી અધ્યતન સાધનોથી ભરપૂર બનીને તૈયાર થઈ જશે. તેમાં વિશાળ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા માત્ર ખોટા આક્ષેપ કરવામાં આવે છે અમદાવાદ શહેરની અંદર કુલ ૧૨ જેટલા સીએચસી સેન્ટરો હાલ કાર્યરત છે. ઇન્ડોર પેશન્ટ ત્યાં રહી શકે છે, રાજ્ય સરકાર દ્વારા તેની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. સાથે અમદાવાદની અંદર સીએચસી સેન્ટર હોય કે પછી અર્બન હેલ્થ સેન્ટર તમામ વિકાસ પામી રહ્યા છે. એસવીપી હોસ્પિટલ પણ 1500 બેડ સાથે બનાવવામાં આવી છે. જેમાં PMJAY યોજનાનો લાભ દર્દી લઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલમાં રોજની 1000 જેટલી ઓપીડી આવે છે અને 500 જેટલા ઇન્દોર પેશન્ટ રહી શકે તેવી વ્યવસ્થા છે. અને વીએસ હોસ્પિટલે પણ આવનારા સમયમાં નવેસરથી રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે