અમદાવાદ: એરપોર્ટ આઈકોનીક રોડલાઈનના અસરગ્રસ્તોને TDR ચૂકવવા નિર્ણય
- ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ ચૂકવવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી
- રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનીક રોડ બનાવવામાં આવ્યો
- એફ.એસ.આઈ. અથવા ટી.ડી.આર.નો વિકલ્પ અસરગ્રસ્તોને આપવાનો થાય
અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સર્કલસુધી આઈકોનીક રોડ બનાવામાં આવ્યો છે. આઈકોનીક રોડ બનાવવા મ્યુનિ.તંત્રે રોડલાઈન અમલ માટે સંપાદીત કરેલી જગ્યાના અસરગ્રસ્તોને રુપિયા 4.51 કરોડના ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ ચૂકવવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનીક રોડ બનાવવામાં આવ્યો
રોડલાઈનના અમલ માટે સંપાદીત કરવામાં જગ્યા પૈકી મોટાભાગની સરકારની માલિકી કે સહમાલિકીની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સર્કલ સુધી રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી આઈકોનીક રોડ બનાવવામાં આવ્યો હતો. આઈકોનીક રોડ બનાવતા પહેલાં રોડલાઈનના અમલ દરમિયાન કપાતમાં આવતી મિલકતો સંપાદીત કરવામાં આવી હતી. સમગ્ર રોડલાઈનમાં ચૂકવવામાં થતા વળતર અંગે વેલ્યુઅર દ્વારા વળતરની અંદાજે રુપિયા 10.35 કરોડથી વધુ રકમ ચૂકવવાની થવાનો અંદાજ મુકયો હતો. સર્વે નંબર-375 વાળી જગ્યાએ 397 ચોરસમીટર જગ્યા માટે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસનો લાભ લેવામાં આવતા રુપિયા 2.73 કરોડની રકમ ચૂકવવાની રહેશે નહીં.
એફ.એસ.આઈ. અથવા ટી.ડી.આર.નો વિકલ્પ અસરગ્રસ્તોને આપવાનો થાય
બિન પરવાનગીવાળા બાંધકામની જગ્યા માટે કે જેની કુલ 380.14 ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવી હતી. તેના વળતરપેટે પ્રતિ ચોરસમીટર રુપિયા 81,500 લેખે રુપિયા 3.09 કરોડ હાલ ચૂકવવાના થશે નહીં. આમ કુલ રુપિયા 4.51 કરોડનુ વળતર ચૂકવવાનું થશે. સિટી સર્વે ખાતાની નિતી મુજબ, આખેઆખા મહેસૂલી નંબર એટલે કે જે તે સિટી સર્વે નંબરની રોડલાઈનમાં સંપાદન થયેલ જગ્યા અંગે મળવાપાત્ર કોઈએક લાભ એટલે કે એફ.એસ.આઈ. અથવા ટી.ડી.આર.નો વિકલ્પ અસરગ્રસ્તોને આપવાનો થાય છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના કહેવા પ્રમાણે, અસરગ્રસ્તોને ટી.ડી.આર.ચૂકવવા કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: વેપારી પાસે પોલીસ ઇન્સ્પેક્ટરને આઈફોનની લાંચ માગવી ભારે પડી