અમદાવાદ: આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો
- ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમના નામની બોગસ લેટરપેડવાળી નોટિસ મોકલી
- પોલીસે સોનીની ચાલી પાસેથી બે આરોપીને ઝડપી પાડયા
- આરોપીઓએ 40થી 45 લોકોને ટાર્ગેટ કર્યા હોવાની કબૂલાત કરી
આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં બોગસ નોટિસ મોકલી 45 લોકો પાસેથી પાંચ લાખ ખંખેર્યા હતા. સોનીની ચાલી પાસે ઓફિસ રાખીને ટેલિકોલર દ્વારા ફોન કરાવી ધમકાવતા હતા. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસાઇ બોલતા હોવાનો રોફ પણ જમાવતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વધી, અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર
પોલીસે સોનીની ચાલી પાસેથી બે આરોપીને ઝડપી પાડયા
અમદાવાદ સહિત દેશભરમાં આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો ઓનલાઇન ડેટા મેળવીને ફોન કરીને દવાનું પાર્સલ મોકલી દેતા ત્યારબાદ તમે કંપની વિશે કેમ ખરાબ રિવ્યૂ આપ્યો છે, તમારી પર કેસ કર્યો છે તેમ કહી ગ્રાહકોને ડરાવતા હતા. ત્યારબાદ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસાઇ બોલતા હોવાનો રોફ મારીને રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે સોનીની ચાલી પાસેથી બે આરોપીને ઝડપી પાડયા છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેઓ અંકુશ આયુર્વેદના નામે ઓનલાઇન વેપાર કરતા હતા અને લોકોને ડરાવી પૈસા પડાવતા હતા. તેમણે 40થી 45 લોકોને ટાર્ગેટ કર્યા હોવાની કબૂલાત કરી હતી. ઓફ્સિ રાખીને ચાર ટેલિકોલર દ્વારા ફોન કરાવીને ધમકાવતા હતા.
ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમના નામની બોગસ લેટરપેડવાળી નોટિસ મોકલી
નિકોલમાં રહેતા વિષ્ણુ પંચાલ રિંગરોડ પર દર્શન ફર્નિચર નામથી વૂડન ફર્નિચરનો ધંધો કરે છે. ગત 8 એપ્રિલે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ હિંમતસિંહ તરીકે આપી હતી. જે બાદ ગઠિયાએ વિષ્ણુભાઇને તમે 2022માં ઓનલાઇન દવા મગાવી હતી તે પરત કરી હતી. તેમાં અર્બન મેટ્રો કંપનીએ તમારી પર કેસ કર્યો છે અને તમે કંપનીમાં ફોન કરીને કેસ પાછો ખેંચાવી શકો છો કહીને નંબર આપ્યો હતો. આથી વિષ્ણુભાઇએ તે નંબર પર ફોન કરતા કંપનીએ તમારી પર કેસ કર્યો છે તેમ જણાવ્યુ હતું. જે બાદ ગઠિયાઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમના નામની બોગસ લેટરપેડવાળી નોટિસ મોકલી હતી.
નોટિસમાં રૂ. 30 હજારનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઇ શકે છે તેમ જણાવ્યું
નોટિસમાં રૂ. 30 હજારનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઇ શકે છે તેમ જણાવ્યું હતું. જે બાદ વિષ્ણુભાઇએ ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં તપાસ કરતા આ બનાવટી નોટિસ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વિષ્ણુભાઇએ અજાણ્યા ગઠિયાઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સોનીની ચાલી પાસેથી અજય ઉર્ફ અજ્જુ વર્મા (ઉં.વ. 25 , રહે. રામરાજ્ય નગર, અમરાઇવાડી) તથા તેનો સાથીદાર હિમાંશુ હરીશભાઇ પરમાર(ઉં.વ. 18, ચંદન ટેનામેન્ટ જશોદાનગર ચોકડી)ની ધરપકડ કરી છે.