નકલી ઈ-વિઝા અને નકલી આધારકાર્ડ સાથે રહેતો રશિયન ડ્રગ ડીલર ઝડપાયો
- આરોપી પાસેથી બનાવટી દસ્તાવેજો મળી આવ્યા
- ભારતમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયેદસર રીતે રહેતો હતો
- વિદેશથી ભારતમાં ડ્રગ્સ લાવવાનનું કાવતરું ઘડ્યું હતું
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધાર કાર્ડ અને ઈ-વિઝા જેવા બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ એક વિદેશી વ્યક્તિને ધરપકડ કરી છે. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, કોલેસ્નિકોવ વાસિલી નામનો શખ્સ રશિયાનો છે. આ ધરપકડ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં ચાલી રહેલા પૂછપરછના આધારે કરાઈ હતી. જેમાં કોલેસ્નિકોવ બનાવટી દસ્તાવેજો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. તે 2014માં પ્રવાસી વિઝા પર આવ્યો ત્યારથી ગોવામાં રહેતો હતો. જો કે, 2020માં તેના વિઝા સમાપ્ત થઈ ગયા હતા. છતાંય તે ભારતમાં રહેતો હતો.
ડુપ્લીકેટ ઇ-વિઝા બનાવી તેનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રોકાણ કરી શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા વિદેશી નાગરીકને શોધી કાઢતી સાયબર ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર. @sanghaviharsh @GujaratPolice @InfoGujarat pic.twitter.com/nyON4jdw9D
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 15, 2023
છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતો હતો
ચોંકાવનારી વિગતો એવી પણ બહાર આવી છે કે આ વિદેશી છેલ્લા ત્રણ વર્ષથી બોગસ દસ્તાવેજોની મદદથી ખોટી ઓળખ ઉભી કરીને ભારતમાં રહેતો હતો અને નશીલા પદાર્થોના પાર્સલ મંગાવીને ધંધો કરતો હતો. આરોપીની મનાલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેના વિઝાની મુદત પૂરી થયા બાદ પણ તે ભારતમાં જ રહ્યો હતો. તેની પાસેથી તેના પોતાના ફોટા સાથેના અલગ-અલગ નામોનું ભારતનું આધાર કાર્ડ અને ઈ-વિઝા મળી આવ્યા હતા. ખોટા દસ્તાવેજોના ઉપયોગ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક અલગ કેસ નોંધવામાં આવ્યો છે, જેની હાલ તપાસ ચાલી રહી છે.
મહત્વનું છે કે, 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ડ્રગની દાણચોરીનો પર્દાફાશ થયો હતો, જેમાં ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રમકડાં અને પુસ્તકોમાં ડ્રગ્સની દાણચોરી યુએસ અને કેનેડા જેવા દેશોમાંથી કરવામાં આવી હતી. વિદેશથી ભારતમાં ડ્રગ્સ લાવવાના કાવતરામાં આ રશિયન નાગરિક ગુનામાં સામેલ હતો. આટલા સમય બાદ પોલીસે તપાસ કરી આરોપીને દબોચી લીધો છે. અગાઉ, 2021માં મુંબઈની વર્લી પોલીસે પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા અને ફોટા પાડવા બદલ તેની સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: યુગાન્ડાથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી, ત્રણ પેડલર સકંજામાં