અમદાવાદઃ મર્ચન્ટ કંપનીઓની વેબસાઈટ હેક કરી કરોડોનો ચૂનો; 7 કરોડની ઉચાપત કરતા 3ની ધરપકડ
30 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરમાં વધુ એક મર્ચન્ટ કંપનીઓ સાથે છેતરપિંડી કરતી ત્રણ યુવકોની ગેંગ ઝડપાઇ છે. જેમા સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઇ-કોમર્સ વેબસાઇટ હેક કરી વેબસાઈટ પરથી નજીવા ભાવે પ્રોડક્ટ ખરીદ કરી બનાવટી એડ્રેસ પર પ્રોડક્ટ મેળવી મર્ચન્ટ કંપની સાથે 7 કરોડ રૂપિયાની ઠગાઈ કરતી ગેંગને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
2 આરોપી બાપુનગરના, 1 રખિયાલનો
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને પ્રેસને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ મામલે અમદાવાદના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિજય અમરાભાઇ કાળુભાઈ વાઘેલા, નિતેશ સીતારામ નારાયણ મડતા અને આદિલ વિજયભાઈ કાંતિલાલ પરમાર નામના ત્રણ યુવકો ઓનલાઇન સટ્ટાની વેબસાઈટ ઉપર પ્રાઇસ પ્રેડીક્શન કરી જુગાર રમી રૂપિયા કમાવવા હેતુથી છેતરપિંડી આચરતા હતા. જેમાંથી બે આરોપી બાપુનગર અને એક રખિયાલ વિસ્તારમાં રહે છે. આ ત્રણે પાસેથી અલગ અલગ મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં એપલના 2 આઇફોન, લેપટોપ, સેમસંગના 2 ફોન, વાઇફાઇ રાઉટર, હાર્ડ ડિસ્ક, એસએસડી ડ્રાઈવ, સોનાની ખરીદીના 11 બિલ, તેમજ એક નોટબુક મળીને 3,31,000નો કુલ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.
આ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરતા
ડીસીપીએ સંક્ષિપ્તમાં વાત કરતા જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ ઓનલાઈન સર્ચ એન્જિન ઉપર ઈ કોમર્સ વેબસાઈટ તથા કસીનો બેટિંગ વેબસાઈટ સર્ચ કરી તે વેબસાઈટમાં સર્ચ એન્જિન પરથી મેળવેલ ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ નંબર મેળવી તે માહિતી આધારે વેબસાઈટ પરથી શરૂઆતમાં ચોક્કસ પેમેન્ટ ગેટવે પરથી પ્રોડક્ટ ખરીદી કરી ટ્રાન્જેક્શન કરી વેબસાઈટ સ્ક્રીપ્ટથી માહિતગાર થઈ સોફ્ટવેર મારફતે વેબસાઈટ સાથે છેડછાડ કરી મૂળ કિંમત કરતાં નજીવી કિંમતની પેમેન્ટ ગેટવેમાં એન્ટર કરી ખોટા સરનામે ઓર્ડર પ્લેસ કરી પ્રોડક્ટ મેળવતા હતા. જે બાદ આરોપીઓ બગીંગ સોફ્ટવેર દ્વારા ઈ કોમર્સ વેબસાઈટ તથા કસીનો બેટિંગ વેબસાઇટને કોમ્પ્રોમાઈઝ કરતા આવતા હતા.