અમદાવાદ : ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવાશે, પોલીસ ટ્રેડિશનલ પોલીસિંગના માર્ગે


- બાંધકામ તોડવાની સાથે પાસા, તડીપાર જેવા આકરા પગલા લેવામાં આવ્યા
- આરોપીઓને તબક્કાવાર બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવશે
- આ રવિવારે 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા
અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે પાસા, તડીપાર જેવા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કમિશનર જી.એસ.મલિકે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે 10થી 12 વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને તબક્કાવાર બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવતી હતી, તે હવે ફરીથી શરૂ કરાશે.
અનુસંધાનમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા
ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓ તે આરોપીઓને સારી રીતે ઓળખી શકતા હતા. પરિણામે ગુનેગારોને કાબૂમાં રાખવામાં સફળતા મળતી હતી. જેથી આ ટ્રેડિશનલ પોલીસિંગ સિસ્ટમને પરત લાવીને હવે દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં આરોપીઓને બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અનુસંધાનમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા.
અમદાવાદ પોલીસે 1481 આરોપીઓની યાદી તૈયાર કરી હતી
ડીજીપી વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર ગુજરાત પોલીસને તેમના શહેર અને જિલ્લાના આરોપીઓની યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી. ત્યારે અમદાવાદ પોલીસે 1481 આરોપીઓની યાદી તૈયાર કરી હતી. જેમાં બુટલેગર, જુગાર, વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓના ધામા, અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ