ગુજરાત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષના યુવકને 71 ગ્રામ ડ્રગ્સના વેચાણ કરતો ઝડપ્યો

Text To Speech

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી.ડ્રગ્સ માટે છેલ્લા અનેક દિવસમાં અનેક આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે ગત મોડી રાતે પણ ક્રાઈમ બ્રાન્ચે 71.28 ગ્રામના એમ.ડી ડ્રગ્સ સાથે એક 19 વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક પોતાના ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હતો જેને ક્રાઈમ બ્રાન્ચે પકડીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જુહાપુરા પાસેથી બાતમીના આધારે મોહંમદ સોહેલ મન્સૂરી નામના યુવકની ધરપકડ કરી છે. આ યુવકને તપાસતા તેના ખિસ્સામાંથી અલગ અલગ 6 નાની થેલી મળી આવી હતી. જેમાં  અલગ અલગ માત્રામાં ડ્રગ્સ હતું. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક FSLની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરી હતી ત્યારે તમામ એમ.ડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી પાસેથી 71.28 ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડાયું હતું. જેની કિંમત 7,12,800 રૂપિયા છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને 29,600 રૂપિયા રોકડ મળ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો આરોપી રામોલના આમીન નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો. આ ડ્રગ્સ આરોપી વેચાણ માટે જ લાવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષના યુવક વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ કરી રહી છે. જો કે, આરોપીએ અગાઉ ડ્રગ્સ લાવીને વેચ્યું હતું કે કેમ તથા અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Back to top button