અમદાવાદ CPનો સપાટો : કાગડાપીઠ PI પટેલ અને એલિસબ્રિજ PI ઝીલરિયા સસ્પેન્ડ
- બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના બનાવમાં જી.એસ.મલિકની કડક કાર્યવાહી
અમદાવાદ, 18 નવેમ્બર : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે ત્યારે તેને સુધારવા માટે બાહોશ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં કાગડાપીઠ તેમજ એલિસબ્રિજ પોલીસ મથક વિસ્તારમાં બનેલા હત્યાના બે બનાવોમાં સીપી મલિકે સપાટો બોલાવતા બંને પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બૂટલેગરે યુવાનની કરી હત્યા
જાણવા મળ્યા મુજબ, અમદાવાદ શહેરમાં ન્યૂ કલોથ માર્કેટ વિસ્તારમાં કાગડાપીઠ પોલીસ મથકથી થોડે આગળ નામચીન બૂટલેગર દ્વારા બે યુવકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું. જે બાદ પોલીસે દારૂ નહીં વેચાય તેવી બાહેંધરી આપી હતી પરંતુ તેની મિનિટોમાં જ PI એસ.એ.પટેલને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા.
અગાઉની હત્યામાં PI ઝીલરિયાએ તપાસ યોગ્ય ન કરી
દરમિયાન આ સસ્પેનશન ઓર્ડરની ગણતરીની મિનિટોમાં જ વધુ એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ઝીલરિયાને પોલીસે તત્કાલ સસ્પેન્ડ કર્યા હતા. અગાઉ નહેરૂનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જે ચકચારી બનાવની તપાસ PI ઝીલરિયા કરતા હતા પણ તે તપાસની કામગીરી નબળી હોવાનું જણાઈ આવતા CPએ તેમની સામે પણ કાર્યવાહી કરી હતી.
અમદાવાદનો ક્રાઈમરેટ ઘટાડવા CP આકરા પગલાં લેશે
મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી વધી રહેલા ક્રાઈમરેટને ઘટાડવો પોલીસ કમિશનર માટે ચોક્કસ પડકારજનક છે. પરંતુ સીપી જી.એસ.મલિક આખરે આ બાબતે મેદાને પડ્યા છે અને તેમણે જાણે ક્રાઈમરેટને કાબુ લેવાની નેમ લીધી હોય તેમ એક બાદ એક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો :- સિદ્ધપુરની સરસ્વતી નદી પર રૂ.145 કરોડના ખર્ચે નવો મેજર બ્રિજ બનશે