- હોસ્પિટલમાં આ પ્રકારના ફરમાનથી કર્મચારીઓ રોષે ભરાયા
- વર્ગ-4ના 900 જેટલા કર્મચારીઓ માટે ફોન વાપરવાની પાબંદી લગાવાઈ
- આઉટ સોર્સિંગ એજન્સીના ફરજ બજાવતાં કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો
સિવિલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ) એટલે કે કેન્સર હોસ્પિટલમાં વર્ગ-4ના કર્મચારીઓ માટે મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકાયો છે, હોસ્પિટલમાં ફરજ દરમિયાન વર્ગ -4ના કર્મચારીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહિ, ફોન ઘરે મૂકીને આવવાનો રહેશે અથવા તો હોસ્પિટલમાં કર્મચારીઓ આવે ત્યારે ફોન બંધ કરવો પડશે. હોસ્પિટલમાં આ પ્રકારના ફરમાનથી કર્મચારીઓ રોષે ભરાયા છે.
વર્ગ-4ના 900 જેટલા કર્મચારીઓ માટે ફોન વાપરવાની પાબંદી લગાવાઈ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં વર્ગ-4ના 900 જેટલા કર્મચારીઓ માટે ફોન વાપરવાની પાબંદી લગાવાઈ છે, હોસ્પિટલ તંત્રને એવી ફરિયાદો મળી હતી કે, મોટા ભાગના સર્વન્ટ- હાઉસ કીપિંગ સ્ટાફ મોબાઈલ પર વ્યસ્ત રહે છે. જેને કારણે તેઓ તેમની કામગીરી પર પૂરતું ધ્યાન આપતાં નથી. આ કારણસર જ હોસ્પિટલ તંત્રે આવો નિર્ણય કર્યાનું જાણવા મળે છે.
આઉટ સોર્સિંગ એજન્સીના ફરજ બજાવતાં કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો
આઉટ સોર્સિંગ એજન્સીના ફરજ બજાવતાં કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો છે. એટલું જ નહિ પરંતુ કેન્સર હોસ્પિટલે એલ્ટિમેટમ આપ્યું છે કે, જો વર્ગ 4ના કર્મચારીઓ ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં દેખાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ નિર્ણયને લઈ કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને એવી દલીલ કરી છે કે, જો પરિવારમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ હોય તેવા કિસ્સામાં મુશ્કેલી પડી શકે છે.