નેશનલ ગેમ્સને લઈને અમદાવાદ શહેર 14 દિવસ માટે રોશનીથી ઝળહળી ઉઠશે, મહત્વના સ્થળોએ લાઈટ લગાડવા AMC 3.50 કરોડનો ખર્ચ કરશે


રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જે અંતર્ગત ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે. અમદાવાદના 8 જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 3.50 કરોડનો ખર્ચ કરી અને એરપોર્ટ તેમજ જે પણ સ્થળોએ નેશનલ ગેમ રમવાની છે ત્યાં લાઇટિંગ કરવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે.

મોટેરા સ્ટેડિયમ અને આસપાસના રોડ, સાબરમતી રિવરફ્રન્ટ, ખાનપુર રાઇફલ કલબ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, કેન્સવિલે તેમજ તમામ બ્રિજો 29 સપ્ટેમ્બર થી 14 ઓક્ટોબર સુધી રોશનીથી ઝળહળી ઉઠશે.

નેશનલ ગેમ્સનું 29મીએ PMના હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવશે. 12 ઓક્ટોબર સુધી આ નેશનલ ગેમ્સ રમાવાની છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 દિવસ માટે અમદાવાદ એરપોર્ટ ત્યાંથી મુખ્ય રસ્તાઓ, ખેલાડીઓના હોટલના રોકાણના સ્થળો તેમજ અમદાવાદના બ્રિજ વગેરે જગ્યાએ ટેમ્પરરી લાઇટિંગ કરવા માટે રૂ. 3.50 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદે મંજૂર કરવામાં આવી હતી. જેથી શહેર આગામી 14 દિવસ માટે રાત્રે રોશનીથી ઝળહળી ઉઠશે.