
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાહેડ-ક્રેડાઇ આયોજિત 17માં પ્રોપર્ટી શૉ નો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં ડેવલોપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયકારોને રાજ્ય સરકારે બનાવેલા બી.યુ પરમિશન સહિતના નીતિ નિયમોનો વ્યાપક લાભ લેવા આહવાન કર્યુ હતું રાજ્ય સરકાર બધા જ ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસ માટે નિયમબદ્ધ રીતે આગળ વધી રહિ છે ત્યારે ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયકારો ડેવલપમેન્ટ પ્લાન, બાંધકામ વગેરેમાં સામાન્ય માનવીના હિતને ધ્યાને રાખીને પોતાનું દાયિત્વ નિભાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો
મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય પ્રોપર્ટી શૉ ના આયોજનને અભિનંદન પાઠવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને કિફાયતી આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. સમગ્ર દેશમાં 1 કરોડ 32 લાખ જેટલા આવાસો તથા ગુજરાતમાં 10 લાખથી વધુ આવાસો આ યોજનામાં નિર્માણ પામ્યા છે.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાનએ વિકસાવેલી વિકાસની રાજનીતિને પરિણામે ગુજરાત દેશનું વિકાસ રોલ મોડેલ બન્યુ છે. એટલું જ નહિ, વિદેશી રોકાણકારોની પહેલી પસંદ પણ ગુજરાત છે. ગુજરાતની આ અવિરત વિકાસ યાત્રાને વધુ ઊંચાઇએ લઇ જવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રથી આગળ ધપવાની નેમ પણ તેમણે દર્શાવી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ બાંધકામ શ્રમિકોને કામકાજના સ્થળે જ રાહત દરે ભરપેટ ભોજન પુરૂં પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મોટી બાંધકામ સાઇટના શ્રમિકો લઇ શકે છે તેની પણ વિગતો આ અવસરે આપી હતી.
ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા 6-7 અને 8 જાન્યુઆરીના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ અમદાવાદ ખાતે 17માં ગાહેડ પ્રોપર્ટી શૉ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 250 કરતા વધુ પ્રોજેકટ્સની માહિતી શહેરીજનોને એક જ જગ્યા પરથી મળી રહેશે.
આ પણ વાંચો : રાજકોટ : ખીરસરા ખાતે ઓનલાઈન ડ્રોના માધ્યમથી 161 ઔદ્યોગિક પ્લોટની કરવામાં આવી ફાળવણી
આ સંસ્થાકીય આયોજનમાં ડેવલપર્સ, નાણાંકીય સંસ્થાઓ તથા એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ સહિત કુલ 65 સ્ટોલ્સ છે. નવું ઘર વસાવવા માટે શહેરીજનોને એક જ ટેન્ટ નીચે બધા જ પ્રકારના સેગ્મેન્ટના પ્રોજેક્ટસની વિસ્તૃત માહિતી મળી રહે અને પ્રોપર્ટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત, લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ક્રેડાઇના વાઇસ પ્રેસિડેન્ટશ્રી શેખર પટેલ, જીસીઆઇના ચેરમેન જક્ષય શાહ તેમજ રાજ્યભરના ડેવલોપર્સ અને બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.