અમદાવાદ શહેર-ગ્રામ્યના બોર્ડની પરીક્ષા સેન્ટરોમાં લાગેલ 6489 વર્ગખંડોના સીસીટીવી ચેક કરાશે. જેમાં બોર્ડની પરીક્ષા સેન્ટરોમાં ગોઠવાયેલા CCTV ફૂટેજની હવે ચકાસણી શરૂ થશે. શહેરના ત્રણ અને ગ્રામ્યમાં બે સેન્ટરો પરથી શુક્રવારે ચકાસણીનો આરંભ કરવામાં આવ્યો છે. ચકાસણી સમયે શંકાસ્પદ લાગતા કેસને તારવીને બોર્ડને મોકલાશે.
6489 વર્ગખંડોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે હવે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સીસીટીવી ફૂટેજની ચકાસણીનો પ્રારંભ કરવામાં આવશે. પરીક્ષા દરમ્યાન તમામ વર્ગખંડોમાં સીસીટીવી લગાવવામાં આવેલા છે અને તેની સીડી તૈયાર કરીને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે. જ્યારે શહેરમાં 3 સેન્ટરો પર શુક્રવારથી ફૂટેજની ચકાસણીનો પ્રારંભ થશે. ત્યારે ગ્રામ્યમાં બે સેન્ટરો પર ચકાસણી ચાલી કરી હોવાનું જાણવા મળ્યુ છે. આ ફૂટેજમાં શંકાસ્પદ કેસને અલગ તારવીને બોર્ડને મોકલવામાં આવશે.
2805 વર્ગખંડોના ફૂટેજની ચકાસણી બે સેન્ટર પરથી કરવામાં આવશે
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં આવેલ કુલ 6489 વર્ગખંડોમાં લગાવેલ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરમાં ઘોરણ 10ના 2009, ઘોરણ 12 સામાન્ય પ્રવાહના 1193 અને સાયન્સના 482 મળી કુલ 3684 વર્ગખંડોના ફૂટેજની ત્રણ સેન્ટર પરથી ચકાસણી કરાશે. જ્યારે ગ્રામ્યમાં ધોરણ 10ના 1579, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 909 અને સાયન્સના 317 વર્ગખંડો મળી કુલ 2805 વર્ગખંડોના ફૂટેજની ચકાસણી બે સેન્ટર પરથી કરવામાં આવશે.
અમદાવાદમાં વિધાર્થી મોબાઇલ સાથે પકડાયો
અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 12ની આંકડાશાસ્ત્રની પરીક્ષા વખતે એક વિદ્યાર્થી મોબાઇલ ફેન લઇને આવ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં નારાયણગુરૂ સ્કુલમાં આંકડાશાસ્ત્રની પરીક્ષા દરમ્યાન એક વિદ્યાર્થી પાસેથી મોબાઇલ ફેન મળી આવ્યો હતો જેની સામે ગેરરીતિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.