અમદાવાદ: બુલડોઝર કાર્યવાહી; ગરીબનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરી વળ્યું; પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
2 જાન્યુઆરી 2025 અમદાવાદ; રખિયાલમાં ગરીબનગર પાસે આતંક મચાવનાર અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. 18 ડિસેમ્બરે રખિયાલની નૂર હોટેલથી શરૂ થયેલ માથાકૂટ બાપુનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકી બાપુનગર પહોંચતા પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી ન કરી શકતા પોલીસ વિભાગ ઉપર સવાલ ઉઠવા માંડ્યા હતા કે પોલીસ ખુદ હવે ડરવા લાગે તો પછી સામાન્ય લોકોનું શું થશે? આવી રીતે લુખ્ખા તત્વો પોલીસ પર ભારે કેવી રીતે પડ્યા? જે બાદ પોલીસ દ્રારા મામલો થાળે પાડવા અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર પહોંચ્યા હતા. કડક કાર્યવાહી શરૂ કરતા આરોપીઓનું સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને માફી મંગાવવામાં આવી હતી.
અસામાજિકતા દૂર કરાઇ; ગેરકાયદેસર બાંધકામ પર તવાઇ
અમદાવાદ શહેર બાપુનગર વિસ્તારના કોર્પોરેટર તથા લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી પૂર્વ ઝોનમાં ઇલે. વોર્ડ -25માં ટીપી 11 ફાળવેલ પ્લોટ નંબર 282/Aમાં આવેલા 212/213, મણિલાલ મથુરદાસની ચાલી મરઘા ફાર્મ રોડ વિરાટનગર, બાપુનગર ખાતે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયું હતું. આ સમગ્ર ગેરકાયદેસર બાંધકામ ફઝલ પરીખ અહેમદ મુન્નાભાઈ શેખ તેમજ આફતાબ અલ્તાફ ફરીદ અહેમદ મુન્નાભાઈ શેખનું હતું. જેને ટાંચમાં લઈને કોર્પોરેશનની ટીમ દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ડિમોલેશન દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને, અને સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ કોર્પોરેશનના કર્મચારીઓને રક્ષણ મળી રહે તે માટે પોલીસનો જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને શાંતિપૂર્ણ રીતે વિસ્તારમાં અસામાજિકતા ફેલાવનારા ઈસમોનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવામાં આવ્યો હતો. અને સમાજમાં અસામાજિકતા ફેલાવનારાઓને ચેતવણીરૂપ કિસ્સાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.