સૂચિત જંત્રીથી રીઅલ એસ્ટેટનું નામું નંખાઈ જવાની ભીતિ વ્યક્ત કરતા અમદાવાદના બિલ્ડરો
અમદાવાદ, 3 ડિસેમ્બર : રાજ્ય સરકારે સૂચિત જંત્રી દર વધારાનો મુસદ્દો જાહેર કર્યાના થોડા દિવસોમાં જ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે આક્રોશ સાથે ઉકળતા ચરૂની હાલત સર્જાઇ છે. સૂચિત વધારો લાગૂ થાય તો રીઅલ એસ્ટેટ ક્ષેત્રનું નામું નંખાઇ જવાની નોબત ઉભી થાય તેમ છે. જુદા-જુદા વિસ્તારોમાં ધાર્યા કરતાં અનેક ગણો વધારો છે. સરળ ભાષામાં કહીએ તો અનેક કિસ્સામાં માર્કેટવેલ્યૂ કરતા પણ જંત્રી દર વધી જાય તેમ છે. જંત્રી સર્વે જ યોગ્ય રીતે થયો ન હોવાની છાપ છે.
રાજ્ય સરકારે 20મી ડિસેમ્બર સુધીમાં વાંધા-સુચનો મંગાવીને સૂચિત જંત્રી દરનો મુસદ્દો જાહેર કરતાની સાથે જ બિલ્ડર લોબી-સંગઠનોએ અભ્યાસ શરુ કરી દીધો હતો. 10-12 દિવસના અભ્યાસમાં જ બિલ્ડરો હતપ્રભ બની ગયાની હાલતમાં છે. આજે અમદાવાદ ખાતે CREDAI સાથે સંકળાયેલા બિલ્ડરો એકઠાં થયા હતા. જેમણે આ સૂચિત જંત્રીનો એક સૂરે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર આ બાબતે ફરી વિચાર નહીં કરે તો સૂચિત જંત્રીથી રીઅલ એસ્ટેટનું નામું નંખાઈ જવાનું છે. સામાન્ય માણસને આ જંત્રીથી બહુ મોટી અસર પડી રહી છે.
આ મામલે CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના એક નિર્ણયના કારણે નાના માનવીના ઘરનું ઘર લેવાનું સપનું માત્ર સપનું જ બની રહેશે. આ સૂચિત જંત્રી જો અમલમાં મુકવામાં આવે તો હાલ બજારમાં જે ભાવોમાં મકાન મળી રહ્યા છે તેના કરતાં લગભગ દોઢ ગણી કિંમતે મકાન ઉપલબ્ધ થવાના છે. જે સામાન્ય માણસને ક્યારેય પોષાય તેવું નથી. જો કે જેમણે મકાન નોંધાવી દીધા છે. તેમને ભાવ લાગુ નહીં પડે પણ માત્ર નોંધાવાથી ફેર નથી પડતો જ્યારે તેનો દસ્તાવેજ બનાવવા જશે ત્યારે હાલ કરતા લગભગ 30 થી 40 ટકા મોંઘો દસ્તાવેજ બનવાની શકયતા છે.
વધુમાં તેણે કહ્યું હતું કે, સરકાર જંત્રીમાં વધારો કરે તે યોગ્ય છે. પણ શહેરના વિકાસને અનુલક્ષીને તેમાં વધારો કરવો જોઈએ. અગાઉ 2011માં વધારો આવ્યો હતો ત્યારબાદ આ વર્ષે સૂચિત કર્યો છે જે અયોગ્ય છે. સરકાર દરવર્ષે થોડો થોડો વધારો કરે તો કોઈને ભારણ નહીં પડે અને તમામને પરવડશે. આ વધારાની અસર બજારમાં કેવી પડશે તેની કોઈ પરવા કર્યા વગર જ સરકારે આ જાહેરાત કરી દીધી છે.
વધુમાં ક્રેડાઈ પ્રમુખે કહ્યું હતું કે, સરકારે આ બાબતને સૂચનો માટે 30 દિવસનો સમય માંગ્યો છે. પણ સરકાર એ નથી વિચારતી કે જો સર્વે કરવામાં દોઢ વર્ષ લાગતું હોય તો સૂચનો 30 દિવસમાં કેવી રીતે મળશે ? આ ઉપરાંત સૂચનો કરવાની પદ્ધતિ ખૂબ જ અઘરી છે. સૂચનો માત્ર ઓનલાઈન મંગાવ્યા છે. હવે સરકાર એવું નથી વિચારતી કે બધા જ ઓનલાઈન સૂચનો આપી નથી શકતા. એટલે સરેરાશ જોવા જઈએ તો હાલનો આ વધારો કોઈને સ્વીકાર્ય નથી.
આ પણ વાંચો :- રાજ્યમાં 5 ડિસેમ્બરથી શરૂ થશે ખેલ મહાકુંભ 3.0, મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, જાણો કેટલી રમતો હશે