અમદાવાદ : SG હાઈવે પર કારના કાચ તોડી લાખોની ચોરી, કારમાંથી ચોરી કરતી ગેંગનો આતંક
અમદાવાદ ફરી એકવાર ધોળે દિવસે ચોરીની ઘટના બની છે. અમદાવાદના પોશ વિસ્તાર અને મોટી સંખ્યામાં ઓફિસો આવેલી છે તેવા એસજી હાઇવે પર એક કારમાંથી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગાડીમાં રહેલા અંદાજીત 2 થી 3 લાખ રૂપિયાની રોકડ રકમની સાથે સામાન પણ લઈ ગયા છે.
આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, કેટલાંક અજાણ્યા શખ્સોએ અમદાવાદમાં એસજી હાઈવે પર કર્ણાવટી કલબ નજીક ભીડભાડના વિસ્તારમાં કાચ તોડી ગાડીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઇ ગયા છે. ધોળાદિવસે બનેલી ચોરીની ઘટનાને પગલે લોકોમાં ચિંતા ફેલાઈ છે.
જયારે પોલીસને પણ જાણે ચોરો ચેલેન્જ આપતા હોય તેમ ધોળાદિવસે ચોરીને અંજામ આપ્યો છે. જેને પગલે શહેરીજનો પણ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તેમજ આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની છે તેમ છતાં પોલીસ વિભાગ દ્વારા કોઇ નક્કર પગલાં ન ભર્યા હોવાની પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : જંત્રીના મુદ્દા પર સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, શું બિલ્ડરોની મીટિંગ ફળશે કે નહીં ?
ખાસ વાત એ છેકે આ પ્રકારની ટોળકી બેન્ક અને પૈસાની લેતીદેતી સાથે સંકળાયેલા લોકો પર નજર રાખતા હોય છે. કેશ લઈને નીકળેલા સામાન્ય જનતાને પોતાનો ટાર્ગેટ કરે છે. આ ગેંગ પોલીસની પકડથી પણ દૂર છે, ત્યારે જ વારંવાર આ વિસ્તારમાં ચોરીની ઘટના સરળતાથી બની રહી છે.